ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ગ્રામ પંચાયતની (Gram Panchayat) ચૂંટણીની (Election) તારીખ જાહેર થયા બાદ આજથી એટલે કે 29 નવેમ્બમથી ગ્રામ પંચાયતની ચૂંટણીનો શ્રી ગણેશ થશે. આજથી ચૂંટણી અધિકારી ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઈચ્છિત ઉમેદવારો 4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. ત્યાર બાદ 19 ડિસેમ્બરે મતદાન યોજાશે.
માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ઉમેદવારો 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. EC અનુસાર 7 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. 6 ડિસેમ્બર સુધી ફોર્મની ચકાસણી થશે. ગામોમાં 19 ડિસેમ્બરે મતદાન થશે જો જરૂરી જણાય તો 20 ડિસેમ્બરે ફરી મતદાન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે. આ મતદાનની મતગણરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણીની પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજવામાં આવશે જેમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર જેટલા મતદારો મતદાન કરી શકે છે. અંદાજિત 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં 10 હજાર 284 સરપંચની ચૂંટણી યોજાશે. જે ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદ્દત 31 માર્ચ 2022 પછી પુરી થાય છે તેવી અને જેની મુદ્દત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેવી ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે.
આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ નહીં થાય ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી (Ballet Paper) યોજાશે. ઉપરાંત 10 હજારથી વધુ ગામોમાં જ્યારે ચૂંટણી થઇ રહી છે. ત્યારે એટલા બધા EVM ઉપલબ્ધ ન હોવાના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે. તો 54 હજાર 387 જેટલી મતપેટીની જરૂર છે. અને તેટલી મતપેટી કમીશન પાટે ઉપલબ્ધ છે. મળતી માહિતી અનુસાર મતદાન કરવાનો સમય સવારે 7 થી 6 વાગ્યા સુધીનો રહેશે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે.