Surat Main

તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો

સુરત: લાંબા સમયથી સુરતમાં (Surat) તાપી (Tapi) કિનારે રિવરફ્રન્ટ (RiverFront) પ્રોજેક્ટની (Project) કામગીરી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી સારું પરિણામ મળ્યું નથી, ત્યારે હવે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવા માટે અગત્યના પગલાં લીધા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે એક વિશેષ કોર્પોરેશનની રચના કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સાથે જ પ્રોજેક્ટ ઝડપથી પૂરો થાય તે માટે ફંડ પણ ફાળવી દેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ(Special Purpose vehicle) તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની (Tapi Riverfront Development Corporation limited) રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં સિટી બ્યૂટીફિકેશન (City Beautification) સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. ૧૦ કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ SPV ના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ ચેરમેન તરીકે સુરતના મ્યૂનિસિપલ કમિશનરને રાખવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહિ, આ SPV માં નિયુક્ત કરવાના થતા ૯ શેર હોલ્ડર્સમાંથી ત્રણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નામાંક્તિ કરી નિયુક્ત કરવાની પણ અનુમતિ આપી છે. આ SPV માં સુડા ના પ્રતિનિધિ ડિરેકટર તરીકે સુડાના સી.ઇ.ઓ ને રાખવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ SPV માટેની કુલ રૂ. ૧૦ કરોડની પેઇડ અપ કેપિટલમાં રૂ. પ કરોડ રાજ્ય સરકારના અને રૂ. પ કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવે તેમજ આ હેતુ માટે આગામી વર્ષના બજેટમાં રૂ. પ કરોડની જોગવાઇ કરવામાં આવે તેવા દિશાનિર્દેશો પણ આપ્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના રૂ. ૧૯૯૧ કરોડના ફેઇઝ-૧ ના કામો માટે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રોજેક્ટ કોસ્ટના ૭૦ ટકા પ્રમાણે લોન મેળવવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપેલી છે.

Most Popular

To Top