મુંબઈ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પર ખંડણીનો કેસ કરવામાં આવે તે ચોંકાવનારી ઘટના ગણાવી જોઈએ. ભૂતપૂર્વ પોલીસ કમિશનર નાસી જાય અને મુંબઈની બાહોશ ગણાતી પોલીસ તેમનો પત્તો મેળવવામાં નિષ્ફળ નિવડે તે પણ નામોશીભરી ઘટના ગણાવી જોઈએ. મુંબઈ શહેરના પોલીસ કમિશનર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાને તેમને મહિને ૧૦૦ કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાનું કહ્યું હતું, તેવો આક્ષેપ કરે તે પણ આઘાતજનક ઘટના કહેવાય.
આવો આક્ષેપ કરીને નાસતા ફરતા ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ કોર્ટ સમક્ષ હાજર ન થાય તેમ છતાં તેમને સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળી જાય તે પણ અભૂતપૂર્વ ઘટના ગણાય. સામાન્ય રીતે કોઈ પણ આરોપી કોર્ટ સમક્ષ હાજર ન થાય ત્યાં સુધી તેને આગોતરા જામીન મળતા નથી. પરમ બીર સિંહને જામીન આપવામાં આવ્યા, કારણ કે તેમને મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસનો ઉપયોગ કરીને શિકાર બનાવ્યા હોય તેવી સંભાવના છે. જો પરબ બીર સિંહ કોર્ટ સમક્ષ તેમનું મોંઢું ખોલે તો તેઓ મહારાષ્ટ્રના ટોચના અનેક રાજકારણીઓને જેલના સળિયા પાછળ મોકલી શકે તેમ છે.
મુંબઈ પોલિસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાઝેએ મુકેશ અંબાણીના મકાન એન્ટાલિયામાં બોમ્બ મૂક્યો ત્યારથી આ ભેદી પ્રકરણનો પ્રારંભ થયો હતો. બોમ્બ મૂકવાનો હેતુ મુકેશ અંબાણીને ડરાવીને તેમની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો હતો. સચિન વાઝેની ધરપકડ પછી પરમ બીર સિંહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સચિન વાઝેને બિયર બારના માલિકો પાસેથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા ઉઘરાવવાનું કામ સોંપ્યું હતું. આ આક્ષેપના પગલે અનિલ દેશમુખને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમની સામે હાઈ કોર્ટે સી.બી.આઈ. દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. દેશમુખ લાપત્તા થયા હતા, પણ પછી પકડાઈ ગયા હતા.
મુકેશ અંબાણીના પ્રકરણમાં પરમ બીર સિંહ કરતાં પણ સચિન વાઝેની ભૂમિકા વધુ શંકાસ્પદ હતી. દેવેન્દ્ર ફડનવિસે કરેલા આક્ષેપ મુજબ સચિન વાઝે શિવસેના માટે ખંડણી ઉઘરાવી આપતો પોલીસ અધિકારી હતો. ૨૦૦૪ માં ખ્વાજા યુનુસના કસ્ટડી મરણ કેસમાં હાઇ કોર્ટના આદેશને પગલે સચિન વાઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યાર પછી ૨૦૦૭ માં તે શિવસેનામાં જોડાયો હતો. તેની સામે ખંડણીના કેસો પણ ફાઇલ કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડનવિસના જણાવ્યા મુજબ તેઓ જ્યારે ભાજપ-શિવસેનાની સંયુક્ત સરકારના મુખ્ય પ્રધાન હતા ત્યારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમને ફોન કરીને સચિન વાઝેને નોકરીમાં પાછો લેવાની ભલામણ કરી હતી, પણ ફડનવિસે તે ભલામણ સ્વીકારી નહોતી. ૨૦૨૦ માં શિવસેના-કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહા વિકાસ અઘાડી સરકાર આવી કે રાતોરાત મુંબઇના તત્કાલીન પોલીસ કમિશનર પરમ બીર સિંહે મીટિંગ બોલાવીને સચિન વાઝેને નોકરીમાં પરત લઈ લીધો હતો.
સચિન વાઝેને નોકરીમાં લીધા પછી તેની નિમણૂક મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટમાં કરવામાં આવી હતી, જે માતબર પોસ્ટ ગણાય છે. તે પછી હૃતિક રોશન, અર્ણબ ગોસ્વામી વગેરે મહત્ત્વના કેસો તેને સોંપવામાં આવ્યા હતા. મુકેશ અંબાણીના કેસમાં તો સચિન વાઝેએ મુખ્ય આરોપીની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમ બીર સિંહે તેની તપાસ સચિન વાઝેને સોંપી હતી, જેને કારણે મુંબઈ પોલીસની છાપને બટ્ટો લાગી ગયો હતો. સચિન વાઝેનો પગાર માત્ર ૬૦,૦૦૦ રૂપિયા જેટલો હતો. તો પણ તેની પાસે ૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. તે દસ કંપનીઓનો માલિક છે. તેની અમુક કંપનીઓ તો શિવસેનાના જાણીતા નેતાઓની ભાગીદારીમાં ચાલી રહી છે. મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? તેની તપાસ કરવી જરૂરી છે.
મુકેશ અંબાણીના કેસમાં સચિન વાઝેની ભૂમિકા બહાર આવી તે પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવાને બદલે વિધાનસભામાં તેની પ્રશંસા કરવાની ભૂલ કરી હતી. તેને કારણે ઉદ્ધવ ઠાકરે ખુદ શંકાનાં કુંડાળાંમાં આવી ગયા હતા. એનઆઈએ દ્વારા સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી તે પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો તે પહેલાં પરમ બીર સિંહે સચિન વાઝે સાથે બંધબારણે મંત્રણાઓ કરી હતી. આ મંત્રણાઓ દરમિયાન તેમણે સચિન વાઝે પાસેથી રહસ્યો જાણવાના પ્રયાસો કર્યા હતા.
મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમ બીર સિંહે રાજ્યમાં ચાલતાં આટલાં મોટાં ખંડણીનાં કાવતરાંનો ભાંડો ફોડ્યો તે બદલ તેમને શાબાશી મળવી જોઈએ અને પ્રમોશન પણ મળવું જોઈતું હતું. તેને બદલે તેમને સજા કરવામાં આવી હતી. તેનું કારણ એ હોઈ શકે કે સચિન વાઝે દ્વારા જે ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવામાં આવતી હતી તેમાં કોઈ ટોચના નેતાઓનો પણ ભાગ હતો. તેમના ઈશારે પરમ બીર સિંહ પર પણ ખંડણીનો કેસ કરવામાં આવ્યો હતો. તેમની ધરપકડનું વોરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. તેઓ ગુમ થઈ ગયા હતા. મુંબઈની કોર્ટે તેમને ભાગેડુ જાહેર કરીને તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. પરમ બીર સિંહે મુંબઈ હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પણ તેમને જામીન મળ્યા નહોતા. છેવટે સુપ્રિમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પરમ બીર સિંહ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થઈ ગયા છે.
પરમ બીર સિંહે સુપ્રિમ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે તેઓ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થતાં ડરે છે; કારણ કે મુંબઈ પોલીસથી તેમને જાનનો ખતરો છે. સુપ્રિમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ‘‘જે મુંબઈ પોલીસના વડા તરીકે તમે કામ કર્યું છે, તેનાથી તમને જાનનો ખતરો કેવી રીતે હોઈ શકે?’’ મહારાષ્ટ્રની સરકાર અને મુંબઈ પોલીસ શી રીતે કામ કરે છે? તેની જેમને ખબર હોય તેમને પરમ બીર સિંહના આક્ષેપથી કોઈ આંચકો નહીં લાગે. મુંબઈ પોલીસ કોઈ પણ નાગરિક તેનો ભાંડો ફોડી શકે તેમ હોય તો તેનું મર્ડર પણ કરી શકે છે. સચિન વાઝેએ જે મનસુખ હિરણની કારનો ઉપયોગ બોમ્બ મૂકવા માટે કર્યો તેનું મર્ડર કરી નાખ્યું હતું. જો પોલીસને પરમ બીર સિંહ જોખમી લાગે તો તે તેમનું બનાવટી અથડામણમાં મર્ડર કરી શકે તેમ છે.
પરમ બીર સિંહે સુપ્રિમ કોર્ટ સમક્ષ સોગંદનામું કરીને ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે તેમણે સચિન વાઝે અને અનિલ દેશમુખ દ્વારા ચલાવવામાં આવતું ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણીનું કૌભાંડ બહાર પાડ્યું તે પછી મહારાષ્ટ્રના હાલના પોલીસ વડા સંજય પાંડેએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમના પર ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર કરેલા આક્ષેપો પાછા ખેંચી લેવાનું દબાણ કર્યું હતું. સંજય પાંડેએ પરમ બીર સિંહને ધમકી આપી હતી કે જો તમે આક્ષેપો પાછા નહીં ખેંચો તો તમારી સામે કેસો કરવામાં આવશે. પરમ બીર સિંહ આક્ષેપો પાછા ન ખેંચવાની બાબતમાં મક્કમ રહ્યા ત્યારે ખરેખર તેમની સામે ખંડણીના બે કેસો દાખલ કરવામાં આવ્યા હતા. પરમ બીર સિંહને લાગ્યું હતું કે તેમના જાન પર જોખમ છે, માટે તેઓ મુંબઈ છોડીને ચંડીગઢ જતા રહ્યા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે