સુરત: (Surat) જાપાન એમ્બેસીના કાઉન્સિલર કાજુહીરો કિયોસેએ સુરતના મ્યુનિ.કમિ. બંછાનિધિ પાની તેમજ સુડાના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના (Corporation) અધિકારીઓ (Officers) સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરત શહેર નજીક સાકાર થનાર બુલેટ ટ્રેન (Bullet Train) સ્ટેશનની આસપાસના વિસ્તારોની વિકાસ યોજનામાં ઉલ્લેખિત આયોજનની વિગતો તથા સુચિત સ્ટેશન વિસ્તારમાં તથા તેને લાગુ વિસ્તારમાં આયોજીત થનાર નગર રચના યોજનાઓની આયોજન લક્ષી વિગતો અંગે કિયોસેને માહિતગાર કરવામાં આવ્યા હતા.
- સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં વિકાસની વિગતો જાપાનના કાઉન્સિલરે લીધી
- મ્યુનિ.કમિ.ની સાથે મનપા તેમજ સુડાના અધિકારીઓ સાથે કાઉન્સિલર કાજુહિરો કિયોસેએ મીટિંગ કરી
- મીટિંગમાં ટીપી સ્કીમોની સાથે સાથે વિસ્તારમાં ભવિષ્યમાં થનારા આયોજનોની માહિતી કિયોસેને આપવામાં આવી
આ સિવાય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલી ટોલ બિલ્ડિંગ પોલિસી અંતર્ગત 100 મી. થી વધુ ઉંચાઇની ગગનચુંબી ઇમારતોના આયોજન તથા નિર્માણ અંગે પણ તેઓને માહિતગાર કરાયા હતા તથા બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ આવી ઇમારતોના આયોજન માટે તૈયાર કરવામાં આવેલા આયોજન સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટલ ડેવલોપમેન્ટના કન્સેપ્ટ મુજબ આ વિસ્તારમાં વિકાસ કરવા સુડા તથા સુરત મહાનગરપાલિકા કટિબધ્ધ છે તે મુજબ જણાવી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટના આયોજન મુજબ મેટ્રો રેલ્વે, બી.આર.ટી.એસ. તથા સિટીબસ સર્વિસને બુલેટ ટ્રેન રેલ્વે સ્ટેશન સાથે સાંકળી સંકલિત આયોજન કરવામાં આવનાર હોવાની જાણકારી પણ કિયોસેને આપવામાં આવી હતી.
આ સિવાય કિયોસે દ્વારા જાપાનના વિવિધ શહેરોમાં બુલેટ ટ્રેનની આસપાસ થયેલા વિકાસની વિગતોથી ઉપસ્થિત સર્વ અધિકારીઓને માહિતગાર કર્યા હતા, ચર્ચાના અંતે જાપાનમાં બુલેટ ટ્રેન સ્ટેશન બન્યા બાદ થયેલા વિકાસના અનુભવોને ધ્યાને રાખી સુરત શહેરમાં બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના વિસ્તારનું આયોજન કઈ રીતે વધુ સારૂં થઈ શકે તે બાબતે આગામી દિવસોમાં ફરીથી બન્ને દેશોના ટેકનિકલ ઓફીસરો દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવાનું નક્કી થયું હતું.