જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના ડુમા ગ્રામ પંચાયતમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની રજૂઆત તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા કરાઇ હોવા છતાં સરકારી તંત્ર દ્વારા તપાસમાં ઢીલાશ વાર્તાવામાં આવતી હોવાના આક્ષેપો સાથે સોમવારે કાર્યકરો તાલુકા પંચાયત ખાતે પ્રતીક ઉપવાસ ઉપર બેસવા આવ્યા હતા. તાલુકા પંચાયત ખાતે ડુમા ગામના અન્ય ગ્રામજનો આવેદન આપવા ઉપસ્થિત હોઈ કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુસર તમામ કાર્યકરોને સૂચનાનુસાર પોલીસ મથકે બેસાડી ત્યાં સક્ષમ અધિકારી તેઓની રજુઆત સાંભળવા ત્યાં પહોંચ્યા હતા.
જાંબુઘોડા તાલુકાના ડુમા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સરકારી કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રજુઆત જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગત માસે કરવામાં આવી હતી જે સંદર્ભે જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાપસ નો દોર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે સરકારી તંત્ર દ્વારા તપાસમાં ઢીલાશ વાર્તવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે તમામ કોંગ્રેસના કાર્યકરો આજે પ્રતીક ઉપવાસ ઉપર બેસવા તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા.
ડુમા ગામના જ કેટલાક ગ્રામજનો વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ દરમ્યાન પણ ડુમા ગામમાં હરિયાળી વોટરસેડ યોજનામાં નવમી અને દશમી બેચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં જ સરકારી કામોમાં ભ્રષ્ટાચારની સમાંતર રજુઆતને તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થાય તેવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અધિકારીએ તમામ કાર્યકરોને પોલીસ મથકે બેસાડ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી સાથે સંકલન કરતા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ મથકે પહોંચી તમામ કોંગી કાર્યકરો ની રજુઆત સાંભળી હતી. અને તેઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ કરી તેનો વિસ્તૃત અહેવાલ સક્ષમ અધિકારી ને સુપ્રત કરવામાં આવશે. તેવી ખાતરી આપતા પ્રતીક ઉપવાસ ઉપર બેસવા આવેલા કાર્યકરો પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા.