Charchapatra

ટીમની હાર માટે કોઈ એક ખેલાડીને દોષ દેવો હિતાવહ નથી

ક્રિકેટ એ અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે. ક્રિકેટમાં જ્યાં સુધી છેલ્લો બૉલ ન ફેંકાય અને છેલ્લો રન ન લેવાય ત્યાં સુધી, ભલભલા કોમેન્ટેટરો પણ છાતી ઠોકીને કહી નથી શકતા કે કઈ ટીમ વિજેતા બનશે. ક્રિકેટ એ ખેલદિલીની રમત છે. હાલમાં રમાઈ ગયેલ T-20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં, ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની ટીમની હાર થઇ (સમજો કે જીતની બાજી હારમાં ફેરવાઈ ગઈ). પાકિસ્તાનના આ પરાજય માટે ઘણાં લોકો હસનઅલી નામના ક્રિકેટરને દોષી માને છે કે એણે જાણી જોઈને કેચ છોડી દીધો અને પાકિસ્તાનના હાથમાંથી જીતની બાજી હારમાં પલટાઈ ગઈ.

આ વાત ગળે ઊતરે એવી નથી, કારણ કે, જેમ કોઈ ડ્રાઈવર સ્ટીયરીંગ ઊપર બેઠો હોય તો એ એવું ના ઈચ્છે કે એનાથી કોઈ અકસ્માત થાય, પરંતુ અકસ્માત ઓચિંતો જ થઈ જાય છે, એ રીતે કોઈ ફિલ્ડિંગ ભરતો ખેલાડી એવું ના ઈચ્છે કે તે જાણી જોઈને પ્રતિસ્પર્ધી ટીમના બેટ્સમેનનો હાથમાં આવેલો કેચ છોડી દે, પરંતુ કેચ ઘણી વખત અનાયાસે જ છૂટી જાય છે. આવી ઘટનાઓ લગભગ દરેક નાના મોટા ક્રિકેટર સાથે ક્યારેક તો ઘટેલી હોય છે. કેચના છૂટવા બાબતે ખોટી ટીકા ટિપ્પણી કરી, ટીમની હાર માટે કોઈ એક ખેલાડીને દોષ આપવો હિતાવહ નથી.
હાલોલ   -યોગેશભાઈ આર જોષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top