Madhya Gujarat

દાહોદ પોલીસ મથકનાં ASI 10 હજારની લાંચ લેતા ઝડપાયા

       દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેર ટાઉન પોલીસ મથકમાં એ.એસ.આઈ. (જમાદાર) તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એક જાગૃત નાગરિક પાસેથી દાવાના નિકાલ માટે રૂા. ૧૦,૦૦૦ની માંગણી કરતાં આ લાંચના રૂપીયા જાગૃત નાગરીક આપવા માંગતો ન હોવાને કારણે તેને દાહોદ એ.સી.બી. પોલીસનો સંપર્ક સાંધતાં એ.સી.બી. પોલીસની ટીમે દાહોદ ટાઉન પોલીસમાં છટકું ગોઠવી એ.એસ.આઈ.ને રૂા.૧૦,૦૦૦ની લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડતાં દાહોદ શહેર સહિત જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.

એક જાગૃત નાગરિકના ભાઈની દિકરી બે મહિના અગાઉ  દેમારા ગામ તા.મેઘનગર મધ્યપ્રદેશના છોકરા સાથે ભાગી ગઈ હતી જેનો પંચ રાહે જે તે વખતે સમાધાન કરી દાવા પેટે નક્કી કરેલ રૂપિયા છોકરા પક્ષવાળાઓ નહીં આપતા ચાર – પાંચ દિવસ ઉપર જાગૃત નાગરીકના ભાઈએ  છોકરાપક્ષ વાળાને પકડી  તેમના ઘરે બેસાડી દીધો હતો જે અંગે  તા.૧૭.૧૧.૨૦૨૧ના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી બદાભાઇ દલસીંગભાઈ ચૌહાણ જમાદારનો જાગૃત નાગરિકના ભાઇ ઉપર ફોન આવ્યો હતો અને છોકરાને હાજર કરવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક તથા  ગામના અન્ય માણસો છોકરાને લઇ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતાં ત્યા દેમારા ગામના માણસો પણ હતા અને બદાભાઇ જમાદાર સમક્ષ રૂબરૂ રજુ કર્યાં હતાં.

આ અંગેનું સમાધાન કરી છોકરા પક્ષવાળાએ છોકરી પક્ષને રૂપિયા એક લાખ દાવા પેટે આપવાના બાકી પૈસા આપ્યાં હતાં જેથી બદાભાઇ જમાદારે  જાગૃત નાગરિકને કહેલ કે, તમારો નિકાલ કરી આપેલ છે તો મને રૂપિયા વીસ હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું. જાગૃત નાગરિકે ઓછુ વત્તા કરવા કહેતો રૂપિયા દસ હજાર નક્કી થયાં હતાં જે લાંચની રકમ જાગૃત નાગરિક જમાદાર બદાભાઈને આપવા માગતા ન હોય  તેઓની  તા.૨૦.૧૧.૨૦૨૧ ની ફરિયાદ આધારે આજરોજ દાહોદ એ.સી.બી. પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે. અશોડા તથા તેમની ટીમે દાહોદ શહેર પોલીસ મથકના પ્રથમ માળે ડી સ્ટાફની ઓફિસ તરફ છટકું ગોઠવ્યું હતું.

Most Popular

To Top