હાલમાં લગ્નસરાની (Merriage) સારી ખરીદી નીકળી હોય સુરતના (Surat) કાપડના (Textile) કારખાનાઓમાં પૂરજોશમાં કાપડનું ઉત્પાદન ચાલી રહ્યું છે. દિવાળી (Diwali) વેકેશન ટૂંકાવીને કારખાનેદારોએ કારખાના ઉઘાડી દીધા છે અને કારીગરો (Workers) પણ વતન જવાનું માંડી વાળી કામ પર વળગી ગયા છે ત્યારે સુરતની એક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એકાએક 400થી 500 કારખાના બંધ થઈ ગયા હતા. અહીં કોઈક અજાણ્યા ઈસમોએ કાગળ પર ઉડીયા ભાષામાં કારીગરોને સંબોધીને એક ધમકી લખી હતી, જેના લીધે 32 થી 35 હજાર કારીગરો કામ પર જવાનું માંડી વાળ્યું હતું. ધમકીના લીધે 400થી 500 કારખાનાના લાખો મશીનોનો ધમધમાટ બંધ થઈ જતા શેઠિયાઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કારીગરોને કામ પર ચઢી જવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અજાણ્યા ભયના લીધે એકેય કારીગરો કામ પર આવ્યો નહોતો અને આજે આ એસ્ટેટના તમામ કારખાના સદંતર બંધ રહ્યાં હતાં.
સુરતના અમરોલી-સાયણ (Amroli Sayan Road) રોડ પર ગોથાણ વિસ્તારમાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Anjani Industrial Estate) આવેલી છે. અહીં 400થી 500 જેટલાં કાપડના કારખાના આવેલા છે. જેમાં 32થી 35 હજાર કારીગરો કામ કરે છે. રોજનું 25 થી 30 લાખ કાપડનું ઉત્પાદન અહીં થાય છે. કાલે રાત્રે અહીં રાબેતા મુજબ કારખાનામાં મશીનોનો ધમધમાટ સંભળાયો હતો, પરંતુ આજે સવારે 7 વાગ્યે પાળી બદલાઈ ત્યાર બાદ મશીનો શાંત પડી ગયા હતા. 500 કારખાનામાં એકેય કારીગર કામ પર આવ્યો નહોતો. કારીગરો નહીં આવતા માસ્તરો દ્વારા શેઠિયાઓને ફોન કરી જાણ કરવામાં આવી હતી, જેથી શેઠિયાઓ એસ્ટેટમાં દોડી ગયા હતાં. હકીકત જાણી શેઠિયા ચોંકી ગયા હતા.
વાત જાણે એમ હતી કે કોઈક અજાણ્યા ઈસમોએ ઉડિયા ભાષામાં લખેલા કેટલાંક પોસ્ટર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અલગ અલગ ઠેકાણે મુક્યા હતા. આ પોસ્ટરમાં કારીગરોને ધમકી આપવામાં આવી હતી. એવું લખ્યું હતું કે, ભાવ વધારા વિના કામ પર જશો તો માર ખાશો. આ ધમકીના પગલે કારીગરો ડરના માર્યા કારખાના પર કામ પર આવી રહ્યાં નથી. શેઠિયાઓએ પોલીસની મદદથી કારીગરોને કામ પર બેસી જવા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના આગેવાન વીવર વિજય માંગુકીયાએ કહ્યું કે, કારીગરોને ધમકાવવામાં આવી રહ્યાં છે. પત્ર લખનાર અજાણ્યાઓ 15થી 20 પૈસા જેટલા મજૂરીના દર વધારવા માંગણી કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. કારીગરો આવી કોઈ માંગણી કરી રહ્યાં નથી. કેટલાંક અસામાજિક તત્ત્વોને તેમને ઉશ્કેરી રહ્યાં છે. કારીગરો દ્વારા કોઈ રજૂઆત પણ કરાઈ નથી. આજે સવારે એકાએક હડતાળનું શસ્ત્ર કારીગરોએ ઉગામ્યું છે. હાલ શેઠિયાઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યાં છે. હાલ ભાવવધારો કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી અને તે અંગે કોઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી નથી.
સુરતમાં કાપડના કારખાનાઓના કારીગરો 22 હજારથી વધુ પગાર મેળવે છે
વિજય માંગુકીયાએ કહ્યું કે, અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 32થી 35 હજાર કારીગરો કામ કરે છે, તેમાં મોટા ભાગના ઉડિયા છે. આ કારીગરોને ક્વોલિટી પ્રમાણે મીટર દીઠ 2 થી 4.50 રૂપિયા મજૂરી મળે છે. કારીગરો મહિને 22 હજારથી વધુ પગાર મેળવે છે. પગાર વધતા હવે કારીગરો ઓછા કલાકો કામ કરે છે. વતન વધુ જાય છે. તેઓને અસંતોષ હોય તેવું અમારા ધ્યાનમાં નથી. કેટલાંક અસામાજિક તત્વોના ઈશારે હડતાળ પાડવામાં આવી છે.
દર બે વર્ષે અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારીગરો હડતાળ પાડે છે
તમને જણાવી દઈએ કે છેલ્લાં એક દાયકા કરતા વધુ સમયથી સુરતના કાપડ ઉદ્યોગમાં દર બે વર્ષે મજૂરીના દર વધારાની માંગણી સાથે કારીગરો હડતાળ પર ઉતરતા હોવાનું જોવા મળ્યું છે. મોટા ભાગના કિસ્સામાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જ પહેલી હડતાળ પડે છે, જે બાદમાં દસ-પંદર દિવસ ખેંચાય છે અને બીજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારીગરો પણ કામકાજ બંધ કરી દે છે. આ અગાઉ 2013, 2015, 2017, 2019માં દિવાળી બાદ હડતાળ પડી હતી.