Comments

કાર્યકર હિન્દુ-મુસ્લિમ હોઈ શકે છે પણ શાસક તો શાસક જ હોય છે

ગાંધીજી માનતા હતા કે માણસ પોતાના હ્રદયને કોરે તો અંદરથી તેનો મૂળ ધર્મ જ બહાર આવે, ગાંધી જન્મે હિન્દુ હતા, પણ તેમનું હિન્દુત્વ બીજા કરતાં અલગ એટલા માટે પડતું હતું કે તેમનું હિન્દુત્વ બિનહિન્દુઓને ધિક્કારતું ન્હોતું, કોઈ પણ નેતા જયાં સુધી સંગઠનમાં છે ત્યાં સુધી ધર્મ અંગે તેમનો વ્યકિતગત મત કોઈ પણ હોઈ શકે, પણ તે જ નેતા જયારે સંગઠન છોડી શાસક બને છે ત્યારે તેના ધર્મ અંગેનો વ્યકિતગત મત રોજબરોજની શાસનવ્યવસ્થામાં આડે આવવો જોઈએ નહીં. હમણાં આપણે ત્યાં ઈંડાં અને નોનવેજના મુદ્દે જે વિવાદ ઊભો થયો છે, તે વિવાદ રાજકીય પક્ષનો કોઈ કાર્યકર કરે તો તેનો અધિકાર છે, પણ શાસકે આ વિવાદ અને આવી ઘટનાથી માત્ર પોતાને દૂર રાખવાની જરૂર નથી, પણ સાથે એક શાસક તરીકે વિચારવાની પણ જરૂર છે. એક બાબતની પ્રશંસા કરવી જરૂરી છે કે ઈંડા-નોનવેજના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી કે રાજયનાં લોકોને શું ખાવું તે તેમનો વ્યકિતગત નિર્ણય છે તે મામલે સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં.

લારી ગલ્લાના મુદ્દે માત્ર નડતરનો પ્રશ્ન છે તે જ પાલિકાનો છે પણ કયો ખોરાક ખાવો તેનો નિર્ણય રાજય કરી શકે નહીં.1995 માં કેશુભાઈ પટેલની સરકાર બની અને છ મહિનામાં જ શંકરસિંહની મહત્ત્વાકાંક્ષાને કારણે સરકાર તૂટી ગઈ, ભાજપ હાઈકમાન્ડે શંકરસિંહ સાથે કરેલા સમાધાનના ભાગ રૂપે કેશુભાઈ પટેલને હટાવી સિનિયર નેતા સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ ઘટનાને કારણે નરેન્દ્ર મોદી સહિત ભાજપના મોટા વર્ગને શંકરસિંહ સામે ગુસ્સો હતો. સુરેશ મહેતા મુખ્યમંત્રી થયા પછી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શંકરસિંહને બળવામાં ટેકો આપનાર નેતાઓ પણ આવવાના હતા.

શંકરસિંહ સામે નારાજ જૂથે બદલો લેવાની એક યોજના ઘડી કાઢી, કેટલાંક યુવાનોને ઉશ્કેરી તેમણે શંકરસિંહના સાથીઓને નિશાન બનાવવાનું નક્કી કર્યું અને તેવું જ થયું. કાર્યક્રમ પૂરો થતાં બહાર નીકળી રહેલા ભાજપના સિનિયર અને વયોવૃધ્ધ નેતા આત્મરામ પટેલ અને દત્તાજી ચીંરદાસને ઉશ્કેરાયેલા યુવાનો નિશાન બનાવ્યા, તેમને માર માર્યો અને કપડાં ફાડી રસ્તે દોડાવ્યા. આખી ઘટના કેશુભાઈ પટેલના સમર્થકોને પસંદ આવે તેવી હતી, પણ મુખ્યમંત્રી સુરેશ મહેતા ખૂબ નારાજ થયા. તેમણે કહ્યું, હું હિંસાનું સમર્થન કરી શકું નહીં, ભલે અમારા વિરોધી મત ધરાવતા લોકો તેનો ભોગ બન્યા હોય, સુરેશ મહેતાએ પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

આ કાર્યકરો પણ ભાજપના જ હતા, છતાં તેમણે કાયદો તોડયો હતો તો પણ મહેતાએ પોલીસને કાર્યવાહીનો આદેશ આપ્યો. આવી જ બીજી ઘટના હતી, વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન નેતા પ્રવીણ તોગડિયાએ પાલિકા દ્વારા રસ્તા ઉપર રહેલાં મંદિરો હટાવવાની કાર્યવાહી કરતાં તોગડિયા રસ્તા ઉપર આવી ગયા. હિન્દુના મતે ચુંટાયેલી સરકારના શાસનમાં મંદિર કેવી રીતે હટે તેવો મુદ્દો તેમણે ઊભો કર્યો. મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યું, હું ભાજપનો અને બહુમતી હિન્દુ મતોથી ચુંટાયેલી સરકારનો વડો હોવા છતાં શાસક તરીકે મારે શાસક તરીકે વર્તવાનું છે. મારું હિન્દુત્વ મારો વ્યકિતગત મત છે. મુખ્યમંત્રીને કોઈ ધર્મ હોય નહીં.

આવું જ 1998 માં બન્યું, કેશુભાઈ પટેલની બીજી વખત સરકાર બની, પોતાના પક્ષ સાથે ગદ્દારી કરનાર શંકરસિંહને પ્રજાએ જોરદાર લપડાક મારી હતી. કેશુભાઈ પટેલની સરકારમાં હરેન પંડયા ગૃહ રાજય મંત્રી હતા. હિન્દુઓના મતથી બનેલી સરકારને કારણે કાર્યકરો જોશમાં હતા.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મુસ્લિમ વસ્તી ઉપર કોઈ ને કોઈ કારણે પથ્થરમારો થવા લાગ્યો. પોલીસ પણ મૂક પ્રેક્ષક હતી, કારણ પથ્થર ફેંકનાર હિન્દુ હતા અને સરકારનું પણ હિન્દુ તરફનું વલણ પોલીસને ખબર હતું. દરિયાપુરના મુસ્લિમો રજૂઆત કરવા હરેન પંડયા પાસે આવ્યા. જિંદગીનો મોટો સમય આરઆરએસની શાખામાં પસાર કરનાર હરેન પંડયાએ રજૂઆત સાંભળ્યા બાદ સ્થાનિક પોલીસને ઠપકો આપતાં કહ્યું, જો હવે મુસ્લિમ વસ્તી ઉપર હુમલો થશે અને પોલીસ નિષ્ક્રિય રહેશે તો તમારી સામે પગલાં ભરવામાં આવશે. આ પ્રકારની કોઈ પણ ઘટના ઘટવી જોઈએ નહીં, જે હરેન પંડયાની 2003 માં હિન્દુ હોવાને કારણે હત્યા થઈ. તેમણે શાસક તરીકે પોતાનો ધર્મ બાજુ ઉપર મૂકી શાસન ચલાવ્યું હતું.

કોંગ્રેસના શાસનમાં અમદાવાદના બુટલેગરોમાં મુસ્લિમ કોમના લોકોનો દબદબો હતો, દારૂના ધંધામાં થતી અધધ કમાણીને કારણે મુસ્લિમ બુટલેગરો ખૂબ સમૃધ્ધ થયા, પણ 1998 માં સરકાર બદલાઈ, ભાજપની સરકાર આવતા મુસ્લિમ બુટલેગરોએ પોતાના ધંધા સમેટી લીધા હતા. હિન્દુ બુટલેગરો માની રહ્યા હતા કે હવે પોતાનો જમાનો શરૂ થયો છે, પણ પોલીસની ધોંસ યથાવત્ હતી, હિન્દુ બુટલેગરો પોતાના પરિચિત હિન્દુ નેતાઓ સાથે ગૃહરાજય મંત્રી હરેન પંડયાને મળવા આવ્યા. તેમણે રજૂઆત કરી કે હવે હમણાં સુધી મુસ્લિમ બુટલેગરો કમાયા છે. હવે આપણી સરકાર છે, હિન્દુઓ કમાય તો શું વાંધો છે, હરેન પંડયાએ જવાબ આપ્યો, ગુંડો હિન્દુ હોય કે મુસ્લિમ તે ગુંડો જ હોય છે. હું સરકાર છું , સરકારની નજરમાં બધા જ ગુંડા સરખા હોય છે.

હું આ પ્રકારની કોઈ છૂટ હિન્દુ ગુંડાઓને આપી શકું નહીં. આવા જ શાસકો કોંગ્રેસમાં પણ હતા, ચીમનભાઈ પટેલ અને કોંગ્રેસની સંયુકત સરકારમાં સી. ડી. પટેલ ગૃહમંત્રી હતા, જામનગરમાં રામાનાથા ગઢવીનો મોટો કારોબાર હતો, રામાનાથા ચીમનભાઈ પટેલના ખાસ માણસ, પોલીસ તે તરફ જોવાની હિંમત પણ કરે નહીં, પણ જયારે સી. ડી. પટેલ પાસે આ વિગત આવી ત્યારે તેમણે કહ્યું, ભલે અમારા પક્ષનો હોય, પોલીસ તેનું કામ કરશે અને ડીએસપી પી. કે. ઝા એ રામાનાથા ગઢવીને ત્યાં દરોડા પાડી હથિયારો પકડયાં હતાં. શાસકે કાયમ શાસક રહેવાનું હોય છે. 

          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top