બોલિવુડની (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ‘આઝાદીની ભીખ’ પર પોતાના નિવેદન પર અડગ છે. તેણે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીઝ પર લાંબા મેસેજ પોસ્ટ કર્યા છે. કંગનાએ પોતાની પોસ્ટમાં હવે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પર નિશાન સાધ્યું છે. પહેલા મેસેજમાં તેમનું નામ લીધા વિના તેમને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે, જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજી ભગતસિંહને (Bhagat sinh) ફાંસી આપવા માંગતા હતા. કંગનાએ લોકોને તેમના હીરોને સમજદારીથી પસંદ કરવાની સલાહ આપી છે.
કંગના રનૌતના પાછલા નિવેદન પર હંગામો હજુ અટક્યો નથી. ત્યાં આજે કંગનાએ વધુ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું છે કે જે લોકો સ્વતંત્રતા માટે લડ્યા હતા તેઓને એવા લોકોએ પોતાના માલિકોને હવાલે કરી દીધા જેઓ હિંમત ધરાવતા નહોતા, જેઓનું લોહી ગરમ નહોતું તેઓએ સ્વંત્રતા માટે લડનારાઓને પોતાના માલિકોને સોંપી દીધા હતા. તેઓ સત્તા ભૂખ્યા અને ચાલાક હતા. તેઓએ જ શીખવ્યું કે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો બીજા તમાચા માટે બીજો ગાલ ધરી દેવો અને આ રીતે તમને આઝાદી મળશે. માત્ર ભીખ માંગવી એ જ શીખવ્યું છે. લોકોએ પોતાના હીરોને સાવધાનીપૂર્વક પસંદ કરવા જોઈએ.
કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે, ગાંધીજીએ ક્યારેય ભગત સિંહ અને નેતાજીનું (સુભાષચંદ્ર બોઝ) સમર્થન કર્યું નથી. એવા ઘણા પુરાવા છે જે દર્શાવે છે કે ગાંધીજી ભગતસિંહને ફાંસી આપવા માંગતા હતા. તેથી તમારે પસંદ કરવું પડશે કે તમે કોને ટેકો આપો છો. કારણ કે એ બધાને તમારી સ્મૃતિના એક જ ડબ્બામાં રાખવા અને તેમની જન્મજયંતિ પર યાદ કરવા પૂરતું નથી, સાચું કહું તો, તે મૂર્ખતા નથી પણ બેજવાબદારી અને ઉપરછલ્લી વાત છે. લોકોને તેમનો ઈતિહાસ અને તેમના હીરોની ખબર હોવી જોઈએ.