સુરત: કોરોનાના દોઢ વર્ષ પછી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ગોલ્ડને લઇ બુમિંગની સ્થિતિ ઊભી થઇ છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોનું જ્યાં 10 ગ્રામ 48 હજારમાં હતું તે હવે વધીને શોર્ટ સપ્લાયને લીધે 51 હજાર પર પહોંચી ગયું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 1950 ડોલર અંશ બોલાય રહ્યો છે. સોનામાં આગઝરતી તેજી અંગે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના ચેરમેન નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, કોરોનાના દોઢ વર્ષ પછી જેમ એન્ડ જ્વેલરી માર્કેટમાં ડોમેસ્ટિક લેવલે ઇન્ટરનેશનલ લેવલે ડિમાન્ડ નીકળી છે.
કોરોનાની સ્થિતિ ભારત અને અમેરિકામાં નિયંત્રણમાં હોવાથી સોના-હીરાજડિત જ્વેલરીની ડિમાન્ડ નીકળી છે. ભારતમાં દિવાળી અને લગ્નસરાંની સિઝનને લીધે વેપાર સારો થયો છે. વેડિંગ સિઝનને લીધે વેડિંગ જ્વેલરીના સેટ, બેંગલ્સ, બ્રેસલેટ, કડાં, રિંગ, ટીકા અને બાજુબંધનો વેપાર સારો રહ્યો છે. બ્રિટન, કેનેડા, અમેરિકા અને આફ્રિકાના દેશોમાંથી NRI પણ દક્ષિણ ગુજરાતમાં આવ્યા છે. અને તેઓ પણ સારા ઓર્ડરો આપી રહ્યા છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટર પાસે ગોલ્ડ અને ગોલ્ડ જ્વેલરીનો સ્ટોક રહ્યો નથી તેની સામે ઓર્ડરની સંખ્યા વધુ છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામ કરતા પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના કારીગરો 22 નવેમ્બરે સુરત પરત ફરશે.
જેમ એન્ડ જ્વેલરી સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોના કાળ પહેલાં દિવાળીથી ક્રિસમસ સુધી 40 ટકા વેપાર થતો હતો. પરંતુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટના ગ્રાહકોએ મહામારી માટે નાણાંની બચત દોઢ વર્ષ દરમિયાન કરી હતી. તેમની ખરીદી અચાનક નીકળતાં 2021માં જેમ એન્ડ જ્વેલરીનો દિવાળીથી ક્રિસમસ સુધીની સિઝનમાં વેપાર 30 ટકા વધી 70 ટકા સુધી પહોંચી શકે છે. અત્યારે મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસે ગોલ્ડ જ્વેલરીનો સ્ટોક નથી. બીજી તરફ સોનાના ભાવ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે.
લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું માર્કેટ પણ તેજીમાં ઊંચકાયું
લગ્નસરાં અને તહેવારોની સિઝનને લીધે નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન એટલે કે સીવીડી અને એચપીએચટી હીરાજડિત જ્વેલરીનો વેપાર પણ વધ્યો છે. સુરત અને મુંબઇમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી જાણીતી ઇન્ટરનેશનલ જેમોલોજી લેબના રિપોર્ટ સાથે વેચવાનું ચલણ વધતાં જે પરિવારોમાં લગ્ન છે અથવા તો અન્ય સેલિબ્રેશન થવાના છે, તેઓ હવે લેબગ્રોન ડાયમંડની ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે. નેચરલ ડાયમંડની જ્વેલરી કરતાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની કિંમત 40થી 50 ટકા ઓછી હોવાથી લોકો આ પ્રકારની જ્વેલરીની પણ હવે સર્ટિફિકેશન સાથે ખરીદી કરી રહ્યા છે.