સુરતમાં નાની બાળા ઉપર ‘હવસખોરી’ આચરનાર નરરાક્ષસને 29 દિવસમાં જ એ મરે ત્યાં સુધીની સજા, કોર્ટે ફરમાવી દીધી છે. કેસની ગંભીરતાને સમજતાં પોલીસ ખાતાએ તથા ન્યાયાલયે ‘તત્કાલ ન્યાય’ તોળીને હવસખોરોને એક જબરદસ્ત સબક શીખવી દીધો છે. સુરત જેવા પેટ્રોપોલિટન નગરમાં અનેક પ્રકારના ક્રાઇમો, એની પરાકાષ્ટાએ પહોંચેલા જોઇ શકાય છે. એ ક્રાઇમોની સાથે સાથે સગીર અને નાની અણસમજુ બાળાઓ ઉપર હવસખોરી આચરવાના બનાવો પણ સમયાંતરે ઘટતા રહે છે. આથી સમાજમાં એક પ્રકારની અસલામતી, મહેસુસ થતી જોઇ શકાય છે.
આવા હવસખોરોને તત્કાલ પકડી પાડીને ન્યાયાલયોમાં એમને ખડા કરી દેવા માટે આપણી પોલીસ કઠીન મહેનત કરે છે. પરિણામરૂપે પેલા પાપ આચરનાર દાનવને એના કૃત્ય બદલ આકરામાં આકરી સજા કરવામાં આવે છે. વર્તમાનપત્રો પણ પોતાનો સામાજીક ધર્મ સમજીને આવા સજાના સમાચારો પ્રગટ કરવામાં જરાપણ ઢીલાશ રાખતા નથી. આ સ્થિતિએ અમે પોલિસ ખાતાને એક વિનંતી એ કરીએ છીએ કે સજા પામેલા પેલા હવસખોરને ખુલ્લી જીપમાં ઉભો રાખીને હું બળાત્કારી છું. મને મરૂ ત્યાં સુધીની જેલની સજા થયેલી છે. આવા લખાણવાળુ પાટિયુ ગળામાં ભેરવીને જાહેર રસ્તાઓ અને શેરીઓમાં ફેરવવો જોઇએ.
ખાસ કરીને ઉધના, પાંડેસરા, સચિન, ડીંડોલી તથા લીંબાયત જેવા ક્રાઇમથી ખદબદતા વિસ્તારોમાં તો આવા પકડાયેલા અને સજા પામેલા નરરાક્ષસોને ખાસ ફેરવવા જોઇએ. જેથી કરીને હવસખોર લોકોમાં પોલીસ ખાતાનો તથા આકરી સજાનો ખોફ પેદા થાય અને આવું અધમ કૃત્ય કરતા તેઓ સો વાર વિચારે. ભારતભરમાં આ રીતે બળાત્કારીઓને સજા આપ્યા પછી એમના વિસ્તારોમાં પોલીસ ખાતાએ ફેરવવા જોઇએ.
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.