સુરત: (Surat) શહેરમાં વધતી ગુનાખોરીને (Crime) લીધે પોલીસે હવે વધારે સતર્ક થઈને દુકાન (Shop) અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી (CCTV) કેમેરા નહીં લગાવનાર 10 જેટલા દુકાનદારોની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આ દુકાનદારોએ દુકાનની અંદર કે પછી બહાર અવરજવર કરતા વાહનનાં રેકોર્ડિંગ માટે પણ કેમેરા લગાવ્યા ન હતા.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે. ગુનેગારોને પકડવા કે બનતી ઘટનાઓને જોવા સીસીટીવી કેમેરા પોલીસ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા શહેરની જાહેર મિલકતો તથા કમર્શિયલ મિલકતોની બહાર રસ્તા પર વાહનોની અવરજવર દેખાય એ રીતે સીસીટીવી કેમેરા ફિટ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સમયાંતરે પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારે સચિન પોલીસે ગઈકાલે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. ડ્રાઈવ દરમિયાન સચિન પોલીસની હદમાં આવેલી અલગ અલગ દુકાન અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી કેમેરા નહીં લગાવનાર 10 જેટલા દુકાનદારોની સામે કાર્યવાહી કરી હતી. દુકાનદારોએ દુકાનની અંદર કે પછી બહાર અવરજવર કરતા વાહનનાં રેકોર્ડિંગ માટે પણ કેમેરા લગાવ્યા ન હતા. સીસીટીવી કેમેરા ન હોવાને લીધે સચિન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
મોટા વરાછામાં પીસીબીએ 15 જુગારીઓને 82 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
સુરત: પીસીબીના માણસોને ગઈકાલે રાત્રે મોટા વરાછા ઉત્રાણ પાવર હાઉસ વીઆઈપી સર્કલ પાસે સાંઈ ઢોસાની પતરાની રૂમની સામે જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરીને પોલીસે જુગાર રમતા મુકેશ યાદવ, કનૈયા ગુપ્તા, ટીકારામ રાજપુત, સંજયરામ યાદવ, આફતાબ અન્સારી, બાદશાહ પાસવાન, રામેન્દ્રકુમાર યાદવ, દિનેશસીંગ રાઠોડ, દેવેન્દ્ર ગૌત્તમ, નિરજકુમાર ગોત્તમ, મહેશ ઠાકુર, સાગર ઠાકુર મહોમદ મીસ્ટર ઈસરાઈલ, દિપક સોની અને શીવકુમાર યાદવને ઝડપી પાડ્યા હતા. પીસીબીએ જુગારીઓને અંગઝડતીમાં રોકડા 35,290 રૂપિયા, 11 મોબાઈલ ફોન મળી કુલ 82,290 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારની કલમ સાથે ઘી ઍપેડેમીક ડીસીઝ ઍક્ટની કલમ પણ લગાવી હતી.