વડોદરા: શહેરમાં જિલ્લામાં દારૂ ઠાલવવા માટે બુટેલગર અવનવી તરકીબ અજમાવતા હોય છે. શહેર જિલ્લામાં એક પછી એક દરોડા બાદ હવે સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ પ્રાઈમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ભાદરવા પોલીસે બંધ કંપનીમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ રૂ. 55.96 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 55.96 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ એક બાઈક અને બે મોપેડ મળી કુલ રૂ. 56.96 લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આ મામલે પોલીસે એકની ધરપકડ કરી 3 લોકોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી મંજુસર ખાતે આવેલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કેટલાક સમયથી શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે તેવી માહિતી ભાદરવા પીએસઆઇ બી એન ગોહિલને મળી હતી. જેથી પોલીસ મથકના જવાનો તેમજ ખાનગી બાતમીદારોને કામે લગાડયા હતા. દરમિયાન રાત્રિના સમયે પ્રાઈમ એસ્ટેટમાં એક બંધ ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સૌપ્રથમ ગોડાઉનના માલિક પાસે ચાવીની માગણી કરવામાં આવી હતી.
પરંતુ ગોળ ગોળ જવાબ આપતાં ભાદરવા પોલીસે શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાથે ગોડાઉનમાં આવેલ પી વી સી ની બનાવટની ઓફિસનું તાળું ખોલીને ચેક કરતાં ભાદરવા પોલીસ ચોંકી ગઈ હતી. ઓફિસની નીચે બનાવેલ આશરે વીસ બાય વીસના ભોયરામાં મોટી માત્રામાં વિવિધ બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
ભાદરવા પોલીસે ઝડપાયેલ સમગ્ર જથ્થાની ગણતરી કરીને તેમજ ગોડાઉનના માલિકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પાણીની ટાંકીમાંથી વિદેશી દારૂની 1184 પેટી અને 43,512 બીયરના ટીન ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ. 55.96 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ એક બાઈક અને બે મોપેડ મળી કુલ રૂ. 56.96 લાખની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આ મામલે પોલીસે મુકેશ પરભુભાઈ કચ્છી (રહે. સોખડા)ની ધરપકડ કરી હતી. તેમજ વર્ષાબેન લાલભાઈ રમેશભાઈ માળી (રહે. સોખડા), વર્ષાબેનના નણદોઈ અને સુનિલ રામભાઈ માળીને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આ જથ્થો કોનો છે, ક્યાં અને કેવી રીતે આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.