સુરતઃ શહેરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. એક બાજુ કોરોનાનો કહેર બીજી બાજુ ગરમીના પ્રકોપથી બપોરે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં જો ગરમીના આ મુજબ આકરા તેવર જોવા મળશે તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
આજે શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. સુરતમાં આજે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન આંશિક વધારા સાથે 23.4 ડિગ્રી નોંધાયું હતું. આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી વિષમ સ્થિતિ વચ્ચે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઊઠયા હતાં.
હવામાન વિભાગ દ્વારા લોકોને સાવધ કરાયા છે કે, કામ સિવાય બપોરના સમયે બહાર નીકળવું નહીં. તેમજ ચક્કર આવવા કે હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તુરંત 108 એમ્બ્યુલન્સ કે નજીકના તબીબનો સંપર્ક કરવા સૂચન કરાયું છે. હાલમાં શહેરમાં કોરોના વાયસરના સંક્રમણને રોકવા માટે રાત્રે કરફ્યુ લાદવામાં આવ્યો છે.
જેને કારણે લોકો બહાર નીકળી શકતા નથી. જ્યારે સવારથી સાંજ સુધી અસહ્ય ગરમીને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. આવા સંજોગોમાં લોકોની હાલત બગડી ગઈ છે. શહેરમાં ગરમીનું પ્રમાણ વધતા બપોરના સમયે લોકોને બફારાનો પણ અનુભવ થઇ રહ્યો છે.
ત્યાં 7 કિલોમીટરની ઝડપે ઉત્તરના ગરમ પવનોને લીધે ગરમ પવનોથી લૂ ની અસર વર્તાઈ રહી છે. શહેરમાં આગામી દિવસમાં હોળી પછી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.