વાપી, નવસારી : દક્ષિણ ગુજરાતમાં બુધવાર રાત્રિથી ગુરુવારે સવાર સુધીમાં લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ઠંડા પવનોને લઈ વાતાવરણ ઠંડુંગાર બની ગયું હતું. જ્યારે લોકોએ દિવસ દરમિયાન ગરમ કપડાનો સહારો લીધો હતો.
જેમાં વલસાડ જિલ્લામાં આ વર્ષની સિઝનમાં સૌથી વધુ ઠંડી બુધવાર રાત્રિથી ગુરુવારે સવાર સુધી 10.5 ડિગ્રી નોંધાઈ હતી. જેને લઈ લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ઠંડા પવનોને લઈ વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. જ્યારે નવસારી જિલ્લામાં ફરીથી ગુલાબી ઠંડી શરૂ થતા તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું હતું. ભરૂચ જિલ્લામાં લઘુત્તમ 14 અને મહત્તમ 32 જ્યારે તાપી જિલ્લામાં લઘુત્તમ 13 અને મહત્તમ 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વલસાડ જિલ્લા આ સિઝનની સૌથી વધુ ઠંડી ગુરુવારે સવારે નોંધાઈ હતી. બુધવારથી જ ઠંડા પવનો અને વહેલી સવારના ઝાકળને પગલે ગુરુવાર જિલ્લામાં ઠંડોગાર બની રહ્યો હતો. જિલ્લામાં સિઝન દરમિયાન લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સુધી રહ્યું હતું. જોકે આજે સૌથી વધુ નીચું જતા લોકો ઠંડીથી ઠુઠવાયા હતા. ગુરુવારે સવારે લઘુત્તમ તાપમાન 10.5 અને મહત્તમ 30 ડિગ્રી રહ્યું હતું. વધુ ઠંડીને લઈ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા સુધી પહોંચી ગયું હતું.
ગુરુવારે આખા દિવસ દરમિયાન ઠંડા પવનોને લઈ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. રાત્રિ દરમિયાન ગામડાંમાં કેટલાક લોકોએ તાપણું કરી ઠંડીથી બચવા સહારો લીધો હતો.
નવસારી જિલ્લામાં આ અઠવાડિયાની શરૂઆત ગરમી સાથે થયા બાદ હવે ફરી ઠંડી જામવા માંડી છે.
બુધવારના તાપમાનમાં 0.5 ડિગ્રીનો વધારો થયા બાદ ગુરૂવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું હતું. બંને તાપમાનમાં ઘટાડો થતાં આજે દિવસ દરમ્યાન ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. બુધવારે નવસારીમાં મહત્તમ તાપમાન 29. 8 ડિગ્રી હતું, જે ગુરૂવારે ઘટીને 29.3 ડિગ્રી થયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન બુધવારે 11.4 ડિગ્રી હતું, જેમાં આજે 0.6 ડિગ્રીનો વધારો થયો હતો. દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વ દિશામાંથી કલાકે 3.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.