કોરોનાની બીજી રસીનો ડોઝ લીધા પછી ગાંધીનગરમાં હેલ્થ અધિકારીને કોરોનાનું ઈન્ફેકશન થયુ છે. જેના પગલે તેમની સારવાર ચાલી રહી છે.
ગાંધીનગરના દહેગામ તાલુકામાં ફરજ બજાવતા આરોગ્ય અધિકારીએ ગત તા.16મી જાન્યુ.ના રોજ પહેલો રસીનો ડોઝ લીધો હતો.જયારે બીજો ડોઝ તા.16મી ફેબ્રુ.ના રોજ લીધો હતો.જો કે તેમને તાવ આવ્યો હતો.
જેના પગલે તેમના લોહીના સેમ્પલની ચકાસણી કર્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. ગાંધીનગરના ચીફ હેલ્થ ઓફિસર ડૉ. એમ. એચ. સોલંકીએ આ બાબતને સમર્થન આપ્યું હતું. હાલમાં દહેગામના આ હેલ્થ અધિકારી હોમ આઈસોલેશનમાં છે.
એટલું જ નહીં કોરોનાના લક્ષણો હળવા હોવાથી હેલ્થ અધિકારીએ સોમવારથી ફરજ હાજર થવાની પણ તૈયારી દર્શાવી છે. ગાંધીનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ એન્ટિબોડી ડેવલોપ થતાં 45 દિવસ થાય છે.
અલબત્ત વેક્સિન લીધી એટલે તેનો મતલબ એવો નથી કે માસ્ક ના પહેરવું અથવા તો સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવવું. વેક્સિન લીધી હોય તો પણ કોરોનાની ગાઈડલાઈન પાળવી જરૂરી છે.