વાંકલ: માંગરોળના (Mangrol) વડ ગામે ખેતરે બાજરો કાપવા ગયેલી મહિલાના હાથમાં ડુક્કરોનો શિકાર કરવાનો લસણીયો બોમ્બ (Bomb) અજાણતામાં ફૂટી જતાં મહિલા અને એક ૯ વર્ષીય બાળકને ઈજા (Injury) થઈ છે. માંગરોળના વડ ગામના પીપળી ફળિયામાં રહેતાં ગીતાબેન દાવજીભાઈ ચૌધરી (ઉં.વ.45) અન્ય મજૂરો સાથે ઇસનપુર ગામની સીમમાં આવેલા ઝરાવાળી ખાડી પાસે આવેલા ખેતરમાં બાજરાનો પાક કાપવા માટે ગયાં હતાં.
- 9 વર્ષના પૌત્રને ખેતરમાંથી ડુક્કરોનો શિકાર કરવા માટે વપરાતો લસણીયો બોમ્બ મળ્યો હતો
- પૌત્રએ દાદીને આપતાં બોમ્બ હાથમાં દબાવી દીધો, મહિલાને હાથના ભાગે ઇજા, પૌત્ર પણ ઘાયલ
એ સમયે તેમની સાથે તેમનો પૌત્ર રોનીક કલ્પેશ ચૌધરી (ઉં.વ.9) સાથે આવ્યો હતો. આ સમયે ગીતાબેનને ખેતરમાં એક સૂતરી વીંટેલ દડી મળી હતી. હકીકતમાં આ લસણીયો બોમ્બ હતો. જે ડુક્કરનો શિકાર કરવા માટે કેટલાક ઇસમો બિન અધિકૃત રીતે વાપરી રહ્યા છે. પરંતુ તેમણે આ બોમ્બને ધ્યાન પર લીધો ન હતો અને બાજરી કાપવાનું કામ ચાલુ રાખ્યું હતું.
ત્યારબાદ સાથે આવેલો ૯ વર્ષીય રોનીકને લસણીયો બોમ્બે ખેતરમાંથી મળતાં તે લઈ ગીતાબેનને બતાવવા માટે ગયો હતો. જેથી ગીતાબેને કુતૂહલવશ હાથમાં લઈ દબાવતાં બોમ્બ ફૂટ્યો હતો. જેમાં તેમને હાથના પંજાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેમજ નજીક ઊભેલા રોનીકને ગાલ અને કપાળ પર ઇજા થઇ હતી. આ ઘટનામાં 108ની મદદથી બંનેને સારવાર માટે ઝંખવાવ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયાં હતા. જ્યારે વધુ સારવાર માટે ગીતાબેનને સુરત સિવિલ ખાતે લઈ જવાયાં છે. તેમજ ઓછી ઈજા પામેલા રોનીકને સારવાર કરી રજા આપવામાં આવી છે. હાલ આ બાબતે ગીતાબેનના પુત્ર કલ્પેશ દાવજી ચૌધરીએ માંગરોળ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.