વડોદરા: વડોદરા જિલ્લાના શેરખી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. રેઇડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી પરંતુ 9 ખેલીઓ ઝડપાઇ ગયા હતા. જુગારીઓના અંગજડતી અને દાવપરના રૂા.57 હજાર, સાત મોબાઇલ 71 હજાર ત્રણ વાહનો 1.50 લાખ સહિત 2.78 લાખનો મુ્દ્દામાલ પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશના જવાનો વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા કરતા શેરખી ગામની સીમમાં કાતોલી વગા બિયારણ વૃદ્ધિ કેન્દ્ર પાસે આવ્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મી અનિરૂદ્ધસિંહ જામભા તથા નરેશ પુંજરામને બાતમી મળી હતી કે કાતોલિયાવગા રેજકોન સોસાયટીની બાજુમાં આવેલા હસમુખ ગણપતા ગોહિલની દુકાની પાછળ જુગારધામ ધમધમી રહ્યો છે. જેના આધારે સ્ટાફના જવાનોએ બાતમી મુજબ સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેઇડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
જેમાં નવ ખેલીઓ હસમુખ ઉર્ફે ચીમન ગણપત ગોહિલ (રહે,શેરખી), રાજુ ઉર્ફે રાજલો ભૂપત ચૌહાણ (રહે શેરખી),દિનેશ ઉર્ફે ભુબલો શંકર ચૌહાણ (રહે.શેરખી) વિજય રાવજી પઢિયાર (રહે,ગોત્રી ગામ)કિરણ ગુલાબ મકવાણા (રહે, શેરખી) મહાવીર ઉર્ફે ભયલુ પરબત બઢિયાર (રહે, ઉમેટા) પ્રકાશ ઉર્ફે પકો દિપસિંહ સિંધા(રહે,શેરખી),ગોકા જોગા ભરવાડ (રહે આણંદ), જગદીશ ઉર્ફે સ્વામી સોમા પરમાર (રહે. શેરખી)ઝડપાઇ ગયા હતા. ઝડપાઇ ગયેલા જુગારીઓની અંગજડતીના રૂા.44 હજાર તથા દાવ પર લાગેલા રૂા.13 હજાર, 7 મોબાઇલ રૂા. 71 હજાર, ત્રણ વાહનો રૂા.1.50 લાખ મળી 2.78 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.