અરવલ્લી: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) ખાબકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અરવલ્લી (Arvalli) જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. વરસાદના કારણે નદી (River) ગાંડીતૂર બની હતી. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મંગળવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અરવલ્લીની ગિરિમાળાઓમાં ભૂસ્ખલન થયુ હોવાનું સામે આવ્યું છે. મસમોટી ભેખડો ધસી પડતા શામળાજી નેશનલ હાઇવે પર 20 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. પહાડો પરથી ભેખડો પડતા અનેક વાહનોને નુકસાન થયુ છે. તેમજ નેશનલ હાઇવે બ્લોક થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શામળાજીમાં પણ સતત વરસાદ વરસવાથી મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી ભરાયાં છે. ભારે વરસાદના કારણે હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે. ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપૂર આવતા ત્રણેય નદીનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. તેમજ બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા,દાંતા,અમીરગઢ, ડીસા ,વડગામમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. દાંતા અને ધાનેરામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે પાલનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર -અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઢીંચણ સમાં પાણી ભરાયા છે.
15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ પર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર 16 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે 16 ઓગસ્ટના રોજ આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્ય્કત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.