Gujarat

આજથી દુકાનો-વેપારી સંસ્થાઓ રાત્રે 9 વાગ્યા સુધી ધંધો કરવાની છૂટ

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે બે મહત્વના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. તેમાં જણાવ્યા મુજબ હવે આવતીકાલ 26મી જૂનથી 10મી જુલાઈ સુધી 18 શહેરોમાં રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે. આ 18 શહેરોમાં 8 મનપા વિસ્તાર, ગાંધીધામ, ભૂજ, મોરબી, પાટણ, ભરૂચ, મહેસાણા, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીનો સમાવેશ થાય છે. કફર્યુના સમયગાળામાં આવશ્યક સેવાઓ તેમજ પ્રિન્ટ અને ઈલે. મીડિયાને પણ મુક્તિ રહેશે.

ગૃહ વિભાગના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ તા.26મી જૂનથી રાજ્યમાં તમામ દુકાનો, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટ યાર્ડ, અઠવાડિક ગુર્જરી બજાર, હાટ, હેર કટ્ટિગ સલૂન, બ્યૂટિ પાર્લર અને વેપારી ગતિવિધિ સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જો કે આ કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લેવાનો રહેશે, અન્યથા વેપારી એકમો ચાલુ રાખી શકાશે નહીં.

રેસ્ટોરેન્ટસ રાત્રીના 9 વાગ્યા સુધી 60 ટકા ક્ષમતા સાથે કોરોનાની આચાર સંહિતના પાલન સાથે ચાલુ રાખી શકાશે. રેસ્ટોરેન્સ દ્વારા હોમ ડિલિવરી રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જીમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચા રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

લગ્ન માટે ખુલ્લા કે બંધ સ્થળોએ 100 મહેમાનો હાજરી આપી શકશે. જો કે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવી ફજિયાત રહેશે. અંતિમક્રિયા કે દફન વિધીમાં 40 વ્યક્તિઓને ભેગા થવાની મંજૂરી આપવામા આવી છે. તમામ પ્રકારના રાજકિય, સામાજીક, શૈક્ષણિક, સાસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે મહત્તમ 200 લોકો એકત્ર થઈ શકશે.

IELTS અને TOEFEL જેવી પરીક્ષા કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે યોજી શકાશે. લાયબ્રેરી તેની 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. એસટી બસો 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે, સિનેમા થિયેટર મનોરંજક સ્થળો 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, વોટર પાર્ક, સ્પા, અને સ્વિમિંગ પુલ બંધ રહેશે.

Most Popular

To Top