સુરત: 9000 કરોડનું ટર્ન ઓવર અને 11 લાખ સભાસદો ધરાવનાર સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો, પશુપાલકોની જીવાદોરી સમાન ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેકની ચૂંટણી ચર્ચાસ્પદ બની છે. નરેશ પટેલ અને સંદીપ દેસાઇના નેતૃત્વ હેઠળની ભાજપની સત્તાધારી પેનલમાં સાંસદો અને ધારાસભ્યો સહિત સંગઠનના મોટામાથાઓ ઉમેદવાર બની જતા સહકારિતાને વરેલા ભાજપના આગેવાનો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. કેટલાક આગેવાનો આજે ચૂંટણી અધિકારી પાસે ફોર્મ લઇ ગયા છે.
સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ પક્ષના સિમ્બોલ પર નહીં લડાતી હોવાથી બારડોલીના દિપક પટેલ પછી હવે ઓલપાડના માજી ધારાસભ્યો ધનસુખ પટેલ, કિરીટ પટેલ, પલસાણાના ભરત પટેલ અપક્ષ ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આજે ઓલપાડના માજી ધારાસભ્ય ધનસુખ પટેલે, બારડોલીના દિપક પટેલ અને પલસાણાના ભરત પટેલે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારીને જમા કરાવી દીધું હતું. એવી જ રીતે વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામિતે વ્યારા બેઠક માટે ફોર્મ ભર્યુ છે. જ્યારે માંડવી બેઠક પરથી બેંકના માજી મેનેજર નરેન્દ્ર સિંહ મહિડાએ ફોર્મ ભર્યુ છે.
ઓલપાડના માજી ધારાસભ્ય કિરીટ ગંગારામ પટેલ અને જિલ્લા પંચાયતમાં ઇચ્છાપોર બેઠક પર અપક્ષ ચૂંટાયેલા યોગેશ પટેલે પણ ફોર્મ મેળવ્યું છે. સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના માજી ચેરમેન રમેશ પટેલ, (લિંગણ) પણ પલસાણા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવે તેવી શક્યતા છે. કારણ કે તેમણે પણ ઉમેદવારી માટે ફોર્મ મેળવ્યું છે. માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીએ તાપી જિલ્લાની તમામ બેઠકો પર સહકારિતાની ભાવનાને વરેલા આગેવાનોને ટેકો જાહેર કરી તાપીની તમામ બેઠકો પર સત્તાધારી પેનલ સામે ઉમેદવારો ઉભા રાખવાનું નક્કી કર્યુ છે. કેટલીક બેઠકો પર બેંકના સીટિંગ ડિરેક્ટરો સત્તાધારી પેનલના ઉમેદવારો સામે ચૂંટણીમાં ઝંપલાવશે.
પરભુ વસાવા સામે નરેન્દ્ર સિંહ મહિડા અને ધારાસભ્ય મુકેશ પટેલ સામે ધનસુખ પટેલ ચૂંટણી લડશે
ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં બીજા દિવસે માંડવી બેઠક પર નરેન્દ્રસિંહ મહિડાએ ઉમેદવારી નોંધાવતા સત્તાધારી પેનલના ઉમેદવાર સાંસદ પરભુ વસાવા સામેનો ચુંટણી જંગ રોચક બનશે. જ્યારે ઓલપાડ બેઠક પર સતત બીજી ટર્મમાં ગુરૂ સામે ચેલાનો જંગ જોવા મળશે. પાંચ વર્ષ અગાઉ પણ માજી ધારાસભ્ય ધનસુખ પટેલ સામે ધારાસભ્ય મુકેશ પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ટાઇ થતા ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરાતા ધનસુખ પટેલ વિજેતા થયા હતા.
149 ફોર્મ ઉપડ્યા અને 10 ફોર્મ ભરાઇને જમા થયા
ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં આજે બીજા દિવસે કુલ 149 ફોર્મ 18 બેઠકો માટે ઉમેદવાર લઇ ગયા હતા. તે પૈકી પાંચ ઉમેદવારોએ 10 ફોર્મ જમા કર્યા છે. બારડોલી બેઠક પર કુલ 9 મતદારો પૈકી 7 મતદારો ઉમેદવાર દીપક પટેલની સાથે હોવાથી અહીં બીજા હરીફ ઉમેદવારેને ટેકો અને દરખાસ્ત માટે સહી મળી શકે તેમ નથી. તે જોતા તેઓ બિનહરીફ ચૂંટાઇ શકે છે. જ્યારે ચોર્યાસી બેઠક પરથી યોગેશ પટેલે ફોર્મ મેળવતા બેંકના વર્તમાન વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ સામે તેઓ ચૂંટણી લડી શકે છે. તે જોતા 1થી 2 બેઠક જ બિન હરીફ થઇ શકે છે.
ભાજપના આગેવાનો અપક્ષ તરીકે ફોર્મ ભરી બાર્ગેનિંગ કરવાની સ્થિતિ ઉભી કરશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે બેંકની સત્તાધારી પેનલ સામે ભાજપના આગેવાનો અપક્ષ ઉમેદવારી નોંધાવી બાર્ગેનિંગ કરશે તેવી શક્યતા છે. ચર્ચા એવી છે કે ફોર્મ ખેંચવાની અવેજમાં જિલ્લા પંચાયતની બેઠકથી માંડીને હોદ્દા સહિતની અન્ય માંગણીઓ થઈ શકે છે.