SURAT

89 વર્ષે પણ ગુડલક સોપનો ગુલાબ છાપ સાબુ હજીય સુરતીઓને એટલો જ પસંદ

આજના યુગમાં લોકોને બ્રાન્ડેડ કંપનીના સાબુની વિશાળ રેંજ સહજતાથી મળી રહી છે. સાબુ માટે પસંદગીની વિશાળ ચોઇસ ઉપલબ્ધ હોવાથી બ્રાન્ડેડ કમ્પનીને પણ પોતાની સાબુની પ્રોડક્ટ વેચવા માટે સતત એડવર્ટાઇઝમેન્ટનો મારો ચલાવવો પડે છે. ત્યારે જ તેમની પ્રોડકટનું અસ્તિત્વ જળવાઈ રહે છે. અન્યથા માર્કેટમાં થી ક્યારે પ્રોડક્ટ ફેંકાઈ જાય કોઈને ખ્યાલ પણ નહીં આવે. પણ આમાં અપવાદરૂપ છે સુરતની ગુડલક શોપ પેઢી, 1933 પહેલાંનો સુરતનો એ સમય ત્યારે લોકોને ન્હાવા, માથાના વાળ ધોવા અને કપડા ધોવા માટે માત્ર 2 જ ફેકટરીના સાબુ ઉપલબ્ધ હતાં. એવા સમયે લલ્લુભાઇ કુબેરદાસ ગુડલકે ગુડલક ગુલાબ છાપ સાબુનું વેચાણ ચૌટામાંથી શરૂ કર્યું. આજે 89 વર્ષે પણ આ સાબુ માટે ગુડલક સોપ પર સુરતીઓની પસંદગી અકબંધ રહી છે. ગુડલકની પહેલાંની સાબુની બંને ફેક્ટરીઓનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે પણ 89 વર્ષે પણ ગુડલક પેઢી પર લોકોનો ભરોસો જળવાઈ રહ્યાો છે. શા માટે સુરતીઓનો ગુડલક પેઢીના સાબુ અને કોપરેલ તેલ પર 89 વર્ષે પણ વિશ્વાસ લગીરેય ઓછો નથી થયો? શા માટે આ શોપ ની પ્રોડક્ટ માટે સુરતી મહિલાઓની કતારો દિવસભર લાગેલી રહે છે ? તે આ પેઢીના ત્રીજી અને ચૌથી પેઢીના સંચાલકો પાસેથી આપણે જાણીએ.

  • વંશવેલો
  • લલ્લુભાઇ કુબેરદાસ ગુડલક
  • બિપીનચંદ્ર લલ્લુભાઇ ગુડલક
  • રાકેશભાઈ બિપીનચંદ્ર ગુડલક
  • પ્રકાશભાઈ બિપીનચંદ્ર ગુડલક
  • મનોજભાઈ બિપીનચંદ્ર ગુડલક
  • પ્રણવ પ્રકાશભાઈ ગુડલક
  • મિહિર મનોજભાઈ ગુડલક
  • નીલ મનોજભાઈ ગુડલક

પત્નીનાં ઘરેણા વેચીને આ પેઢી શરૂ કરી…
ગુડલક પેઢીનો પાયો લલ્લુભાઈ કુબેરદાસ ગુડલકે 1933માં નાંખ્યો હતો. એ પહેલાં તેઓ એક સ્કૂલમાં પટાવાળાની નૌકરી કરતા હતા. એ સમયે સુરતમાં સાબુની 2 ફેકટરી હતી કનૈયા સોપ ફેક્ટરી અને ઇન્ડોબર્મા સોપ ફેક્ટરી. ઇન્ડોબર્મા સોપ ફેક્ટરીના મન્છૂભાઈએ લલ્લુભાઈને સાબુનો ધંધો શરૂ કરવા માટે સલાહ આપી હતી. પણ આ ધંધો શરૂ કરવા માટે આર્થિક સ્થિતિ સધ્ધર નહીં હતી. એટલે લલ્લુભાઇએ તેમની પત્ની રમાવતીના ઘરેણાં વેચીને અને થોડા પૈસા ઉછીના લઈ ચૌટાની આ જગ્યા ખરીદી હતી. જે લગ્નની નાની વાડી હતી. આ વાડી તેમણે 17 હજાર રૂપિયામાં ખરીદી હતી. લલુભાઈએ આ પેઢીનું સંચાલન 1933 થી 1979 સુધી કર્યું હતું. તેમણે પેઢીનો પાયો નાંખ્યો ત્યારે તેમની ઉંમર 28 વર્ષની હતી. 1979માં તેમનું નિધન થયું હતું. તેમની હયાતી દરમિયાન જ 1970થી લલ્લુભાઇના પુત્ર બીપીનભાઈએ દુકાન પર બેસવાનું શરૂ કર્યું હતું. બીપીનભાઈનું અવસાન 1989માં થયું હતું.

સમયે દરેક જાતનાં અનુભવ કરાવ્યા….
એક વખત આ દુકાનમાંથી એક કસ્ટમરે 5 કિલો દિવેલ લીધું હતું પણ નેક્સ્ટ ડે તે ગ્રાહકે દુકાનમાં આવીને કહ્યું કે તમે લૂંટો છે. બીજા વેપારી 140 રૂપિયે કિલો દિવેલ વેચે છે જ્યારે તમે 220 રૂપિયે વેચો છો. ત્યારે મનોજભાઈ ગુડલકે ગ્રાહકને સમજાવ્યું બીજેથી રિફાન્ડ દિવેલ ખરીદી રહ્યા છો. જ્યારે અમે પ્યોર દિવેલ વેચીએ છીએ આ એક ખરાબ અનુભવ હતો. સારો અનુભવ યાદ કરતા કહે છે કે, એક કાકા દુકાન પર આવ્યાં હતાં ગુડલક ગુલાબ છાપ સાબુ લેવા તેમણે કહ્યું કે મને એક ઓળખીતા ભાઈએ કીધુ અહીંનો સાબુ બહુ સરસ આવે છે. એટલે મેં અહીં થી સાબુ ખરીદેલો જેનાથી ન્હાયા બાદ લાગેલું કે ઘણા વર્ષ બાદ ન્હાયો છું અને કપડા પણ આ સાબુથી સ્વચ્છ બન્યા.

ગ્રાહકો પાછા આવવા લાગ્યા…
મનોજભાઈ ગુડલકે જણાવ્યું કે, મલ્ટીનેશનલ કંપનીની એડથી અંજાઈને ગ્રાહકો મલ્ટીનેશનલ કંપનીના સાબુ, પાઉડર ખરીદતા થયા હતાં પણ, પછી કવોલિટી ગુડલક પેઢીની જ સારી હોવાનું અનુભવતા ગ્રાહકો પાછા અમારી પેઢીની પ્રોડક્ટ તરફ વળ્યાં. જયારે નિરમા લોન્ચ થયું હતું ત્યારે એડવર્ટાઇઝ જોઈને લોકો નિરમા ખરીદતાં જેનાથી અમારા બિઝનેસને ફટકો પડયો હતો પણ અમારી પ્રોડક્ટ મોટી ઈન્ડસ્ટ્રીઝવાળા વાપરવા લાગ્યાં. આ રીતે ગ્રાહક વર્ગ ડાયવર્ટ થયો. અમારી દુકાન સવારે 9 વાગે ખુલે છે. તે પહેલાં ગ્રાહકો આવી જાય છે. કાર લઈને પણ ગ્રાહકો અહીં સુધી પ્રોડક્ટની બલ્કમાં ખરીદી માટે આવે છે. ગુલાબ છાપ સાબુ હોટ પ્રોસેસથી કોપરેલ, કોસ્ટિક સોડા અને મહુડાના તેલના ઉપયોગથી બનાવવામાં આવે છે. માઇલ્ડ સાબુ કોલ્ડ પ્રોસેસથી ફેટ, સુગંધી દ્રવ્ય, કોપરેલ અને બીજા મટિરિયલથી બને છે. પહેલાં સાબુ હેન્ડ મેડ બનતા પછીથી મશીનનો ઉપયોગ વખત સાથે ચાલુ કર્યો. ગુડલકનું ફિલ્ટર્ડ દિવેલ પણ અનાજમાં નાંખવાથી બેસી નથી જતું અને અનાજ સારું રહે છે.

પેઢી ચાલુ રાખવા માટે બાળકોનું ભણતર છોડાવવું પડ્યું: તારાબેન ગુડલક…
લલ્લુભાઇના પુત્રવધૂ અને બીપીનભાઈના પત્ની તારાબેન ગુડલકે જણાવ્યું મેં મારા સસરા લલ્લુભાઈને વચન આપ્યું હતું કે ગુડલકનું નામ ભૂંસાવા નહીં દઉં મને અફસોસ થતો હતો કે, હું ગ્રેજ્યુએટ હોવા છતાં મારા સસરા અને ત્યારબાદ પતિના નિધન બાદ પેઢીની બાગડોર સંભાળવા માટે મેં દિકરાઓનું ભણતર છોડાવ્યું હતું . મેં પુત્રોને કહ્યું હતુ કે તમારી પાસે બે ઓપ્શન છે તમે કાં તો ધંધો સંભાળો અથવા તો ભણતર આગળ ચાલુ રાખો. ધંધો છે તો બધું છે. આ પેઢીને જ તમારી સ્કૂલ માનો કે કોલેજ માનો જે કાંઈ છે તે પેઢી જ છે. આમાં જ તમે હોંશિયાર થઈ જાઓ. દિકરાઓએ ભણતર છોડી ધંધા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને સાબુ બનાવવાનું શીખ્યા. આજે ગુડલક નામ જાળવી રાખવા માટે મારા દીકરાઓ સખ્ત મહેનત કરીને ધંધાને આગળ વધારી રહ્યા છે.

પહેલા સરનેમ કુરબાનવાલા હતી જે પછીથી ગુડલક થઈ: પ્રકાશભાઈ ગુડલક…
લલ્લુભાઈના પૌત્ર અને બીપીનભાઈના પુત્ર પ્રકાશભાઈ ગુડલકે જણાવ્યું કે, આ પેઢી શરૂ થઈ તે પહેલાં અમારી સરનેમ કુરબાનવાલા હતી. ગુડલક દુકાન શરૂ થઈ ત્યારે લોકો ગુડલક નામથી ઓળખવા લાગ્યા. સગા વ્હાલા અને અન્ય લોકો કહેતા કે હવે તમારું નસીબ જ ચમકી ગયું છે તમારું ગુડલક જ ગુડલક છે.આ ગુડલક નામ તમને ખૂબ આગળ લઈ જશે. આમ પેઢી શરૂ થયાના 15 વર્ષ બાદ અટક બદલાઈને ગુડલક થઈ ગઈ. આ દુકાનનું એડ્રેસ આપવું હોય તો ગુડલકની ગલી કહે છે.

20 વર્ષ પહેલા ધંધાનો વ્યાપ વધાર્યો:મિહિર ગુડલક…
મનોજભાઈ ગુડલકના પુત્ર મિહિરભાઈએ જણાવ્યું કે ગુડલક ગુલાબ છાપ સાબુ અહિંસક અને ચરબી વગરના હોવાથી જૈન મહારાજ સાહેબને આપવા માટે, મુસ્લિમ લોકો હજ પર લઈ જવા માટે, જરીના કારખાનામાં જરીના તાર ચકચકાટ કરવા માટે, લોન્ડરી, ડાઇંગ હાઉસ વગેરે માટે વાપરાય છે. અમુક સબુઓ અખાદ્ય તેલમાંથી બને છે. તેમણે જણાવ્યું કે, 20 વર્ષ પહેલાં 2000 ની સાલ માં ધંધાનો વ્યાપ વધાર્યો છૂટક કોપરેલ તેલ તો વેચાતું સાથે-સાથે દિવેલ, સાબુની છીલ, 100 ટકા પ્યોર સ્ટીલના સ્ક્રબ, કપડા ધોવાનું લિકવિડ, પાવડર, ડામરની ગોળી, શેમ્પુ, હેર ઓઇલ, હેરપેક, ફેસ વોશ, ડ્રાયક્લીન કરવાનું લિકવિડ, ટોયલેટ ક્લીનર, ફીનાઇલ અને ફિલ્ટર્ડ દિવેલ વેચવાનું શરૂ કરી ધંધાનો વ્યાપ વધાર્યો સાથે જ અમે 5 વર્ષ પહેલાં ગ્રાહકોને ઘર બેઠા હોમ ડીલીવરી ચાલુ કરી.

ગુડલક ગુલાબ છાપ સાબુ માટે શુદ્ધ કોપરેલ કોચીનથી ખરીદતા: મનોજભાઈ ગુડલક…
લલ્લુભાઈના પૌત્ર અને બીપીનભાઈના પુત્ર મનોજભાઈ ગુડલકે જણાવ્યું કે તેમની પેઢીની સૌથી પહેલી પ્રોડક્ટ ગુડલક ગુલાબ છાપ સાબુ બનાવવા માટે કોચીનથી શુદ્ધ કોપરેલ ખરીદતા. જે ગુડ્ઝ ટ્રેનમાં આવતું. હવે 15 કિલોના પેકિંગમાં શુદ્ધ કોપરેલ તેલ આવે છે. જ્યારે સાબુ બનાવવા માટે અન્ય સામાન જેમકે, મહુડાનું તેલ અને બિયા તેલ, દિવેલ મુંબઈથી આવે છે. ગુડલક ગુલાબ છાપ સાબુ આજે 89 વર્ષે પણ લોકો ખરીદે છે. આ સાબુ કપડા ધોવા, માથાના વાળ ધોવા અને ન્હાવા માટે વપરાય છે. આજે પણ ઘણાં સુરતીઓ આ સાબુ પર વિશ્વાસ રાખે છે અને ખરીદે છે.

1933માં સાબુના જોડકાની કિંમત 15 પૈસા હતી જે વધીને હવે 30 રૂપિયા થઈ: પ્રણવ ગુડલક…
પ્રકાશભાઈ ગુડલકના પુત્ર પ્રણવે જણાવ્યું કે 1933માં પેઢીની શરૂઆત થઈ ત્યારે ગુડલક ગુલાબ છાપ સાબુની એક જોડકાની કિંમત 15 પૈસા હતી. જે હવે 89 વર્ષમાં વધીને 30 રૂપિયા થઈ છે. જોકે કવોલીટીમાં કોઈ કોમપ્રોમાઇઝ નથી થયું. આજે પણ આ પેઢાના તમામ પ્રોડક્ટની કવોલિટી અકબંધ રહી છે. આજે પણ તેમની પ્રોડક્ટસ ખરીદવા મહિલાઓની કતાર લાગે છે.

2006ની ભયંકર રેલમાં બે થી અઢી લાખનું નુકસાન થયું હતું: નીલ ગુડલક…
ચૌથી પેઢીના સંચાલક અને મનોજભાઈના પુત્ર નીલ ગુડલકે જણાવ્યું કે 2006ના વર્ષમાં સુરતમાં આવેલી ભયંકર રેલમાં પેઢીની નીચેની દુકાનમાં બે ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જેને કારણે બે થી અઢી લાખ રૂપિયાની કિંમતના માલ-સામાનને નુકસાન થયું હતું.

મોલ બનાવવુંનું ભવિષ્યનું આયોજન…
ગુડલક શોપ ભવિષ્યમાં મોલ બનવા તરફ વળશે. 630 વારની જગ્યા છે. ભવિષ્યમાં અહીં મોટો સ્ટોર બનાવવાનું આયોજન છે. અલગ-અલગ સ્ટોર્સ જેમકે કપડાવાળાનો સ્ટોર, પ્લાસ્ટીકવાળાના, નાસ્તાવાળાના સ્ટોર્સ રેન્ટ પર આપવા માટે હાલમાં વિચારણા ચાલી રહી છે.

Most Popular

To Top