મુંબઈ: આજે 23મી ફેબ્રુઆરીએ સપ્તાહના છેલ્લાં દિવસે શેરબજાર (ShareBazar) અસ્થિર જોવા મળ્યું હતું. દિવસના અંતે બીએસઈ (BSE) અને નિફ્ટી (Nifty) બંને મામૂલી નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. તેમ છતાં નાના અને મધ્યમ કદના શેર્સની (Shares) કિંમતમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો, જેના લીધે રોકાણકારોએ (Investors) આજે એક જ દિવસમાં લગભગ 81,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.25 ટકા અને સ્મોલકેપ ઈન્ડેકસ 0.53 ટકા વધીને બંધ થયા છે. ટેલિકોમ, ઈન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં મહત્તમ વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ આઈટી, બેન્કિંગ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.
ટ્રેડિંગના અંતે BSE સેન્સેકસ 15.45 પોઈન્ટ્સ અથવા 0.021% ના નજીવો ઘટીને 73,142.80 પર બંધ થયો, જ્યારે NSE નો 50 શેરો વાળા મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી 4.75 પોઈન્ટ અથવા 0.021% ના વધારા સાથે 22.212.70 ના સ્તર પર બંધ થયા છે.
રોકાણકારોએ 81,000 કરોડની કમાણી કરી
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી આજે 23 ફેબ્રુઆરીના રોજ વધીને રૂ. 392.98 લાખ કરોડ થઈ છે, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે 22 ફેબ્રુઆરીએ રૂ. 392.17 લાખ કરોડ હતી. આ રીતે BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 81,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 81,000 કરોડનો વધારો થયો છે.
સૌથી વધુ આ 5 શેર્સની કિંમત વધી
બીએસઈ સેન્સેક્સના 30માંથી 21 શેર આજે ઉછાળા સાથે બંધ થયા હતા. જેમાં પણ બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ 1.43%નો વધારો થયો હતો. ત્યાર બાદ ટાઇટન, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો થયો હતો. દિવસના અંતે તે 0.78% થી 1.08% ના વધારા સાથે બંધ થયો હતો.
5 સૌથી વધુ ઘટી રહેલા શેર્સ
જ્યારે સેન્સેક્સના બાકીના 9 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. જેમાં પણ એચસીએલ ટેકના શેર 1.42 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા. જ્યારે મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ના શેર 0.96% થી 1.32% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે.