સુરત(Surat): સામાન્ય રીતે ચોમાસાની (Monsoon) સિઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડે ત્યારે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) તાપી નદીમાં (Tapi River) પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જોકે, કોઈ ચિંતાની વાત નથી.
વાત ખરેખર એમ છે કે દર વર્ષે ઉનાળામાં સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં લીલ ભેગી થતી હોય છે. નદી જાણે લીલું મેદાન બની ગઈ હોય તેવું ચિત્ર ઉભું થાય છે. લીલના લીધે પાણી દુર્ગંધ મારે છે. આ લીલ અને દુર્ગંધયુક્ત પાણીને દૂર કરવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી હાલમાં 800 ક્યૂસેક પાણી છોડી નદીની સફાઈ કરવામાં આવી રહી છે.
ઉનાળામાં સુરતમાં પાણીની ડિમાન્ડ વધી
વસતી વધારાની સાથે સુરત શહેરમાં પાણીની માંગમાં પણ વધારો થયો છે. આ વર્ષે ઉનાળામાં 1520 એમલડી પાણીની ડિમાન્ડ છે, જે પાછલા વર્ષોમાં 1500 એમએલડી રહેતી હતી. પાણીની ડિમાન્ડ વધવાના લીધે કોઝ-વેનું જળસ્તર ઘટી ગયું છે. તેના લીધે નદીના પાણીની ગુણવત્તા પણ બગડી છે.
માર્ચના છેલ્લાં અઠવાડિયાથી જ તાપીની આવી કફોડી સ્થિતિ છે. લીલ અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા વધી છે, તેના ઉપાય તરીકે ઉકાઈ ડેમમાંથી છેલ્લાં એક પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણીની આવક થતાં કોઝવેનું જળસ્તર 5 મીટરથી વધુને ગુરુવારે તા. 11 એપ્રિલની સાંજે 5.40 મીટર પર પહોંચ્યું હતું. આગામી થોડા દિવસોમાં તાપી નદીના પાણીની ગુણવત્તા આંશિક સુધરશે.
ઉનાળામાં પાણીની માગમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે તાપી નદીની સ્વચ્છતા થાય તે હેતુથી હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાણી અગાઉ પાળ બાંધતા સિંચાઈ ખાતા સાથે સંકલન સાધ્યું હતું. જેથી આ સંકલનના સારા પરિપાક રૂપે શહેરની મધ્યમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી શુદ્ધ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે.