- વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો જઈ શકશે
સુરતઃ હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે નદી નાળાં છલકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના લીધે તંત્ર સતત દોડતું રહ્યું છે. વરસાદમાં ઠેરઠેર પાણી ભરાઈ જતા કેટલાંક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના માંડવી તાલુકાના 6 જેટલા કોઝવે પર પાણીના ઓવરટોપીંગના કારણે સુરક્ષાના કારણોસર રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં વરેહ ખાડી પર આવેલ દેવગઢ લુહારવડ રોડ, કોલખડી, અંધારવાડી લીમ્ધા રોડ, મોરીઠા કાલિબેલ રેગામ રોડ, ગોડસંબા કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડ, લોકલ ખાડી અને વાવ્યા ખાડી પરના ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડના બે રસ્તાઓ મળી કુલ 8 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના વિકલ્પ તરીકે ગ્રામજનો વૈકલ્પિક રસ્તાઓ ઉપયોગ કરી શકશે તેવી વિગતો આર.એન.બી. પંચાયત પાસેથી પ્રાપ્ત થઈ છે.
ઉમરપાડામાં ધોધમાર વરસાદ, બજારોમાં પાણી ભરાયા
ઉમરપાડા તાલુકામાં આજે તા. 5 જુલાઈની સવારે સારો વરસાદ વરસતા બજારો પાણી ભરાયા હતા. દર વર્ષે ઉમરપાડા તાલુકામાં સુરત જિલ્લાનો સૌથી વધુ વરસાદ વરસે છે. અહીં મોટા ભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે. જેથી આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
તાપી જિલ્લામાં ઠેરઠેર વરસાદ
આજે સવારથી જ વ્યારા શહેર વિસ્તાર સહિતના અંતરિયાળ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત છે. વરસાદ વરસતાની સાથે જ ધરતીપુત્રો ખેતી કામે જોતરાયા છે.
ખેરગામમાં 3 અને વાંસદામાં 2 ઇંચ વરસાદ
એક દિવસના વિરામ બાદ ફરી એકવાર નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. નવસારી જિલ્લામાં સવારથી બપોર સુધીમાં સારો વરસાદ પડ્યો છે. આ સમયગાળામાં સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ અને વાંસદામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.