સુરત મહાનગર પાલિકાના ૨૦૨૬-૨૭ના ડ્રાફ્ટ બજેટમાં મધ્યમવર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ નવા 9820 મકાનો બનાવવામાં આવશે. EWS-I કેટેગરીના 6890 આવાસો અને EWS-II કેટેગરીના 2930 આવાસો બનાવવામાં આવશે. આ માટેનો ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરતના વિવિધ વિસ્તારો જેવા કે ભેસ્તાન, જહાંગીરાબાદ, પાલનપોર-ભેંસાણ, વેસુ, વેડ-કતારગામ, સરથાણા-વાલક અને અડાજણ-પાલ માં કુલ ૯૮૨૦ આવાસો બનાવવાનું આયોજન છે. ઉપરાંત PMAY U હેઠળ BLC ઘટક હેઠળના 5000 આવાસો બનાવવાનું કામ હાથ ધરાશે. સુરત શહેરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી રોજગાર માટે આવતા કામદારોને PPP ધોરણે યોગ્ય રહેણાંક સુવિધા પુરી પાડવાનું પણ સુરત મનપાનું આયોજન છે.
નવા FOBથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે
બ્રિજ સિટી’ તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ 8 નવા ફ્લાય ઓવર બ્રિજ બનશે. આ નવા બ્રિજના પ્રોજેક્ટને કારણે શહેરના વરાછા, પાલ, ઉમરા તેમજ અઠવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ વિસ્તારોમાં 8 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 540 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પીપલોદ-અઠવા વિસ્તારમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ SVNIT જંકશન અને કારગિલ ચોક પર બનનારા બ્રિજનો છે જે ૧૨૦ કરોડના ખર્ચે તૈયાર થશે. ઉધના-મગદલ્લા રોડ ગાંધીકુટીર જંકશન પર ૪૦ કરોડના ખર્ચે તેમજ ઉધના ત્રણ રસ્તા જંકશન પર ૪૦ કરોડના ખર્ચે નવા ફ્લાયઓવરનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અણુવ્રત દ્વાર પાસે કનેક્ટિવિટી વધારવા ૮૦ કરોડ ફાળવાયા છે. વરાછામાં સહજાનંદ રોડથી રચના સર્કલ સુધી ૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનશે. સરથાણામાં સુરત-કામરેજ રોડ પર શ્યામધામ પાસે ૮૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત પાલ-ઉમરા બ્રિજના છેડે RTO જંકશન પાસે ૮૦ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની યોજના છે.