અંકલેશ્વર: ભરૂચમાં (Bharuch) 5 વર્ષ બાદ સંભવત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત આગમન કરી રહ્યા છે અને વિરાટ જનમેદનીને પણ સંબોધશે. વહીવટી તંત્ર અને ગુજરાત (Gujarat) સરકારનો રસાલો PMના આગમનને ભવ્ય રીતે વધાવવા સજ્જ થઈ રહ્યો છે. ગુજરાત માટે પ્રધાનમંત્રી ભેટ લઈને આવી રહ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેમાં (Express Way) અમદાવાદ અને અંકલેશ્વરનો 8 લેન હાઇવે (lane high way) તેઓ દેશને સમર્પિત કરશે.
તંત્રે આગોતરી તૈયારીઓના ભાગરૂપે GNFC, દૂધધારા અને કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત લીધી
અમદાવાદ અને અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ-વે તૈયાર થઈ ગયો છે. તેનું PM સંભવત: ભરૂચ આવી 15 મેએ લોકાર્પણ કરે તેવી સંભાવના સાથે ગતિવિધિઓ ચાલી રહી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સોમવારે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, GNFC ગ્રાઉન્ડ અને કૃષિ યુનિવર્સિટીના મેદાનની અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. જો કે, વાતચીતમાં આ બાબતે હજી કંઈ નક્કી નહીં હોવાનું અને આ વાર્ષિક R & B દ્વારા ચાલતી પ્રક્રિયાનો ભાગ હોવાનું કહ્યું હતું. બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ BJP પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ભરૂચની મુલાકાત PM લઈ શકે છે, પણ હજી કંઈ નક્કી નહીં હોવાનું કહ્યું હતું.
દિલ્હી-મુંબઈ 1380 KM લાંબા એક્સપ્રેસવેનો દિલ્હી વડોદરા વિભાગ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જવાની સંભાવના છે. જ્યારે ગ્રીનફિલ્ડ રોડનો પ્રથમ વિભાગ વડોદરા અને અંકલેશ્વર વચ્ચે એપ્રિલમાં ખુલ્લો મૂકવાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી હોવાનું અગાઉ NHAI અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભરૂચની મુલાકાત વેળા જણાવ્યું હતું.
DME એકવાર તૈયાર થઈ ગયા પછી દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 24 કલાકથી ઘટીને 12-13 કલાક કરવામાં આવે તેવી ધારણા છે. બંને શહેર વચ્ચેનો રોડ માર્ગ 130 કિમી જેટલો ટૂંકો થઈ જશે.
રૂ.98,233 કરોડનો પ્રોજેક્ટ વર્ષ-2019માં શરૂ કરાયો હતો
રૂ.98,233 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ દિલ્હી-મુંબઈ 8 લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે 9 માર્ચ-2019ના રોજ શિલાન્યાસ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. એ સમયે માર્ચ-2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી. જો કે, NHAI દ્વારા નિર્ધારિત નવીનતમ સમયરેખા માર્ચ-2024માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જમીન સંપાદનમાં અવરોધોને કારણે હાઇવેના 4 વિભાગમાં વિલંબ થયો છે.
દેશનાં 6 રાજ્યમાંથી પસાર થાય છે ઝડપી ગતિ માર્ગ
આ એક્સપ્રેસ-વે છ રાજ્ય દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે, તે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, અમદાવાદ જેવા આર્થિક હબ સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે.
વર્ષે 320 મિલિયન લીટર ઇંધણની થશે બચત
એક્સપ્રેસ-વે 320 મિલિયન લીટરથી વધુની વાર્ષિક બળતણ બચત પેદા કરશે. અને CO2 ઉત્સર્જનમાં 850 મિલિયન કિલો જેટલો ઘટાડો કરશે તેવી અપેક્ષા સેવાઈ છે. જે 40 મિલિયન વૃક્ષોના વાવેતરની સમકક્ષ છે. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે NHAIની પ્રતિબદ્ધતાના ભાગરૂપે હાઇ-વે પર 20 લાખથી વધુ વૃક્ષો વાવવાની યોજના છે.