તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ રાજીનામુ આપે તેવી માંગ ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા શુક્રવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ કરી હતી.
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, શૈલેષ પરમાર, નીશિત વ્યાસ અને જગદીશ ઠાકોર સહિતના આગેવાનો આજે રાજભવનમાં રાજ્યપાલને મળ્યા હતા એટલું જ નહીં આવેદન પત્ર આપીને પેગાસુર જાસુસી કાંડના મામલે વિરોધ વ્યક્ત કરીને તપાસની પણ માંગ કરી હતી. ખાસ કરીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીના ફોનની પણ જાસુસી કરાતી હતી
સિનિયર કોંગી અગ્રણીઓએ રાજ્યપાલ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે ગુજરાતમાં પણ 2017 અને 2020માં થયેલી રાજ્યભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓના ફોન ટેપ કરાયા હતા. તેવી જ રીતે દિલ્હીમાં રાહુલ ગાંધીનો પણ ફોન ટેપ કરાયો હતો. ખાસ કરીને પ્રશાંત કિશોર, રાકેશ આસ્થાના, એ.કે. શર્મા, જેવા અધિકારીઓના ફોન પણ ટેપ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 300 કરતાં વધુ વ્યક્તિના ફોન ટેપ કરાયા છે. આ સમગ્ર જાસુસી કાંડ મામલે તપાસ થવી જોઈએ. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દેવું જોઈએ.
ગાંધીનગરમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિત 50 કાર્યકરોની પોલીસે અટકાયત કરી
સિનિયર કોંગ્રેસ અગ્રણીઓએ પહેલા ગાંધીનગર સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક યોજી હતી. તે પછી રેલી સ્વરૂપે રાજભવન જવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસે નાકાબંધી કરીને તેઓને અટકાવ્યા હતા. તે પછી 10 સિનિયર અગ્રણીઓને રાજભવનમાં જવાની પરવાનગી અપાઈ હતી. જો કે બીજી તરફ પોલીસે 50 કરતાં વધુ કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત પરેશ ધાનાણી, અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણીઓની અટકાયત કરી હતી.