Gujarat

સો ટકા રસીકરણ કોરોનાને નાથવા માટેનું શસ્ત્ર છે : અમિત શાહ

રાજભવન દ્વારા એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને જીવનજરૂરી કીટ પહોંચાડવાના લક્ષ્યાંકની સિદ્ધિ સાથે કોરોના સેવાયજ્ઞનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં દાતાઓનો આભાર માનતા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સેવાયજ્ઞમાં સહયોગ આપનારા દાતાઓનું અભિવાદન કર્યું હતું. શાહે કહ્યું હતું કે કોરોના સામેના જંગમાં 130 કરોડ દેશવાસીઓની જનશક્તિના સમર્થનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને મોટી તાકાત મળી છે. આ સેવાયજ્ઞનું સમાપન એ અલ્પ વિરામ છે, તેમ જણાવી શાહે જનસેવાનો યજ્ઞ નિરંતર ચાલુ રહે તેવો અનુરોધ પણ કર્યો હતો.

ગુજરાતની મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, નિરંતર જનસેવાના ભાગરૂપે યુવાનો સો ટકા રસીકરણના કેન્દ્ર સરકારના લક્ષ્યાંકને સિદ્ધ કરવા પુરુષાર્થ કરે, કારણ કે સો ટકા રસીકરણ જ કોરોનાને નાથવાનું અસરકારક શસ્ત્ર છે. તેમણે દિવાળીના તહેવારો સુધી દેશભરના ગરીબ-જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક પાંચ કિલો અનાજ આપવાની યોજનાને જન-જન સુધી પહોંચાડવા યુવાનોને અનુરોધ પણ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેના જંગમાં રાજભવનને પ્રેરિત થવાની પ્રેરણા આપી અને ગુજરાત રાજભવને કોરોના સેવાયજ્ઞ દ્વારા સેવાનું જન અભિયાન હાથ ધર્યું. આ અભિયાન અંતર્ગત એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સુધી જીવન જરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડીને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસોની પણ તેમણે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સેવાયજ્ઞને ઉદાહરણરૂપ કાર્ય ગણાવી આ અભિયાન સાથે જોડાયેલાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોરોના સેવાયજ્ઞમાં સહયોગ આપનારા સૌ દાતાઓનું પ્રશસ્તિપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top