પારડી : પારડીના (Pardi) બાલાખાડી પાસે મેના એપાર્ટમેન્ટમાં તસ્કરો (Smugglers) ધોળે દિવસે ફ્લેટનું તાળુ તોડી રોકડા, સોના ચાંદીના દાગીના સહીત અંદાજે રૂ. 2 લાખ મત્તાની ચોરી (Theft) કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો કેમ પારડીને ટાર્ગેટ (Target) બનાવી રહ્યા છે તે બાબતે પોલીસ (Police) પણ ચિંતામાં મુકાઈ છે.
પારડીમાં 15 થી 20 દિવસમાં એક બાદ એક ચોરીના 7 થી 8 બનાવોથી પ્રજા અને પોલીસ ચિંતામાં
પારડી સ્ટેશન રોડ બાલાખાડી પાસે મૈના એપાર્ટમેન્ટ એ-વિંગના ફર્સ્ટ ફ્લોર પર રહેતા ભાવિક વિનોદચંદ્ર જોશી આજરોજ સવારે તેમની પત્ની ભૂમિકાબેન સાથે જીઆઇડીસી ખાતે આવેલી પોતાની દુકાનમાં ગયા હતા. પુત્ર ટ્યુશન પર જવાનો હોવાથી તેને પણ સાથે લઇ ગયા હતા. ફ્લેટને લોક કરીને પરિવાર બહાર ગયો હતો. તે દરમ્યાન તસ્કરોએ બંધ ફ્લેટને નિશાનો બનાવી હાથ ફેરો કરી ગયા હતા.
પરિવારના મોભી પત્ની સાથે દુકાને ગયા, પુત્ર ટ્યુશન ગયો અને તસ્કરો બંધ ફ્લેટને નિશાન બનાવી હાથ ફેરો કરી ગયા
ભુમિકાબેન જોશીના જણાવ્યા મુજબ તેઓ બપોરના 1 વાગ્યાના સુમારે ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારે જોતા ફ્લેટના નકુચો અને તાળું તૂટેલી હાલતમાં હતું. ઘરની અંદર પ્રવેશીને જોતા કબાટનો માલ-સમાન વેરવિખેર અને તિજોરીમાં મુકેલ રોકડા રૂ. 15 થી 20 હજાર અને સોના ચાંદીના દાગીનામાં મંગળસૂત્ર, ત્રણથી ચાર નંગ વીંટી, બુટ્ટી સહીત અંદાજે 2 લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસને જાણ કરતા સ્થળ પર આવી પહોંચી હતી. સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ચોરીની ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસ પેટ્રોલિંગ વધારવાની લોકોની માંગ
પારડીમાં 15 થી 20 દિવસમાં એક બાદ એક ચોરી-ઠગના 7 થી 8 બનાવો બનતા પ્રજા અને પોલીસ ચિંતામાં મુકાઈ છે. લોકોએ રાત્રી તેમજ દિવસ દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે ચોરોને પકડી કડક સજા આપવા માંગ કરી હતી. હાલ તો પોલીસે ચોરીની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.