ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આજે તા. 28 નવેમ્બર શુક્રવારે સવારે એક અત્યંત દુખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા.
કાંકરીથી ભરેલું એક ડમ્પર અચાનક નિયંત્રણ ગુમાવી કાર પર પલટી ગયું હતું જેના લીધે કારમાં બેઠેલા એક જ પરિવારના બધા સભ્યો કચડાઈ ગયા હતા. આ મૃતક પરિવાર સૈયદ માજરા ગામથી ગંગોહમાં એક અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. આ અકસ્માત ગામથી લગભગ એક કિલોમીટર દૂર થયો.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ ડમ્પરની ગતિ ખૂબ ઝડપથી હતી અને તેમાં ભારે ઓવરલોડિંગ હતું. ડ્રાઇવરે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હત પરંતુ ઝડપી ગતિને કારણે વાહન કાબુ બહાર થઈ ગયું અને સીધું કાર પર જઈ પલટી ગયું. અકસ્માત એટલો ગંભીર હતો કે 5 ફૂટ ઊંચી કાર કાંકરી અને ભારે વજન નીચે કચડાઈને માત્ર 2 ફૂટ જેટલી રહી ગઈ હતી. પરિવારના તમામ સભ્યો કારમાં ફસાઈ ગયા હતા અને બહાર કાઢવા માટે ત્રણ ક્રેન બોલાવવી પડી હતી. કારની છત કાપીને મૃતદેહોને બહાર લાવવામાં આવ્યા.
મૃતકોમાં એક 4 વર્ષની બાળકી પણ સામેલ છે. પરિવાર તેમના જ સગાના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા માટે નીકળ્યો હતો પરંતુ રસ્તામાં જ તેમનો દુખદ અંત આવ્યો. ગામના વડા સોના માજરાએ જણાવ્યું હતું કે ટ્રક ઓવરલોડ હતો અને ડ્રાઇવર નશાની હાલતમાં હતો એવી સ્થાનિકોની શંકા છે.
જ્યારે અકસ્માતની માહિતી પોલીસને મળી ત્યારે એસપી વ્યોમ બિંદલ તાત્કાલિક પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચી ગયા. તેમણે જણાવ્યું કે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે. હવે તપાસ ચાલી રહી છે કે અકસ્માત માત્ર બેદરકારીથી થયો હતો કે પછી ઓવરલોડિંગ અને નશામાં ડ્રાઇવિંગ જેવી ગંભીર ખામીઓ પણ જવાબદાર હતી.
પોલીસ હાલ ડમ્પરના ડ્રાઈવર, ટ્રકની ક્ષમતા, ઓવરલોડિંગ અને સ્પીડને લઈને તમામ એંગલ પરથી તપાસ કરી રહી છે. આ દુર્ઘટનાએ આખા વિસ્તારમાં શોક ફેલાયો છે.