Madhya Gujarat

ધાટડા ગામમાં 7 ખેડૂતોએ શાળા બનાવવા જમીન દાનમાં આપી

વિરપુર: વિરપુર તાલુકાના ધાટડા ગામની પ્રાથમિક શાળા માટે સાત ખેડૂતોએ ભૂદાન કરી અનોખો દાખલો બેસાડ્યો છે. આ સાત ખેડૂતોની ભૂદાનના પગલે તેમનું મંગળવારના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. વિરપુર તાલુકાની ધાટડા ગામની પ્રાથમિક શાળા માટે 7 ખેડૂતોએ જમીન દાનમાં આપતા ખુશી વ્યાપી છે. શાળામાં નવા રૂમ પણ બનાવી શકાય તેટલી જગ્યા કે રમત ગમત માટે મેદાન નહોતું. આ માટે શાળાના આચાર્ય પણ મૂંઝવણમાં હતા, જે અંગે ગામના અગ્રણીઓ સાથે અવારનવાર ચર્ચા થતી હતી.

આ અંગે ગામના લોકોએ બાળકો સારી રીતે ભણી શકે તેમજ વિવિધ રમત ગમત માટેનું પણ સારું મેદાન હોય તે અંગે પ્રાથમિક શાળામાં ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી હતી. જેમાં ગામના 7 ખેડૂત બંધુઓએ શાળાના મકાન, રોડ તેમજ મેદાન માટે જમીન દાનમાં આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પ્રાથમિક શાળા ખાતે નવીન બક્ષિશ જમીનના ભૂમિપૂજન નિમિત્તે સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જમીન દાનમાં આપનાર દાતા નરેશભાઇ રામભાઈ તલાર, હીરાભાઈ મોનાભાઈ તલાર સોમાભાઈ મોનાભાઈ તલાર અને શાળાના રસ્તા માટે જમીન દાનમાં આપનાર દાતા રામાભાઈ નાથાભાઈ તલાર, રમેશભાઈ નાથાભાઇ તલાર, શાળાના પ્રવેશદ્રારના દાતા રૂગનાથભાઈ પરમારનુ સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દિપકભાઈ તલાર જીલ્લા પંચાયત સદસ્ય એસ.બી. ખાંટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. નવીન જ્ઞાનકુંજ લેબ ઉદ્ઘાટન જીલ્લા પંચાયત સદસ્ય એસ.બી ખાંટ અને તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દિપકભાઈ તલાર હસ્તે કરવામાં આવ્યું હતું . નવીન પ્રાર્થના શેડનું ઉદ્વાટન ધાટડા ગ્રામ પંચાયત સરપંચ ભાવનાબેન પગીના હસ્તે કરવામાં આવ્યું. સાથે વિનામૂલ્યે બાળકો માટે દરવર્ષે ચોપડા વિતરણ માટે ધોળી દૂધ મંડળીના ચેરમેન રણજીતભાઈ જે તલાર સેક્રેટરી અખમણભાઈ તથા મંડપના દાતા રમણભાઈ તલાર, સ્વેટરના દાતા રમેશભાઈ પટેલનુ સન્માન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top