નવી દિલ્હી: આજે સવારે તુર્કી, સિરીયા, ઈઝરાયલ અને લેબનોનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા ધરાવતા આ ધરતીકંપના લીધે ચારેય દેશમાં ભારે ખાનખરાબી સર્જાઈ છે. સંખ્યાબંધ ઈમારતો તૂટી પડી છે. સરાકર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે 12 કલાકમાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે લગભગ 4 વાગ્યે ભૂકંપના આવા જ આંચકાથી લોકોના શ્વાસ થંભી ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 માપવામાં આવી છે.
મળસ્કે 4.17 કલાકે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતાં, જેથી કોઈને બચવાની તક મળી નહોતી. આ ભૂકંપમાં 4 દેશમાં કુલ 1300થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ આવી રહ્યાં છે. ઈજાગ્રસ્તોની સંખ્યા 5000થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ભૂકંપમાં 2818 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને કાટમાળની અંદરથી 2470 લોકોને બચાવી લેવાયા છે. ચારેય દેશમાં અફરાતફરીનો માહોલ છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે મળસ્કે 4.17 કલાકે તુર્કીની ધરતી ધ્રુજી હતી. 7.8ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. ધીમે ધીમે એવી વિગતો બહાર આવી કે તુર્કી ઉપરાંત સિરીયા, લેબનોન અને ઈઝરાયેલમાં પણ ભુકંપ આવ્યો છે. તુર્કીમાં 76 અને સિરીયામાં 42 લોકોના મોત નિપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલ બહાર આવ્યા હતા. બપોર સુધીમાં ચારેય દેશમાં કુલ 1300લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. એકલા સિરીયામાં મૃત્યુનો આંકડો 237થી વધુ હોવાના અહેવાલ છે.
ભૂકંપનું એપીસેન્ટર તુર્કીની રાજધાની ગાઝિયાંટેપથી 33 કિ.મી. દૂર નોંધાયું
ભૂકંપનું કેન્દ્ર તુર્કીની રાજધાની ગાઝિયાંટેપથી લગભગ 33 કિમી દૂર અને નુરદાગી શહેરથી લગભગ 26 કિલોમીટર (16 માઇલ) દૂર નોંધાયું છે. સીરિયામાં પણ ભૂકંપની ભારે અસર જોવા મળી હતી. સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કી અને સીરિયા બંનેને 6 વખત મજબૂત ભૂકંપના આંચકા આવ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર 18 કિલોમીટર (11 માઇલ) ની ઊંડાઈ પર હતું. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. તુર્કીના ઓસ્માનિયામાં 34 ઈમારતો ધ્વસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારત NDRFની 2 ટીમો તુર્કી મોકલશે
તૂર્કીમાં ભયાનક ભૂકંપ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, ‘તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને સંપત્તિને થયેલા નુકસાનથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. સંકટની આ ઘડીમાં ભારત તુર્કીની સાથે એકતામાં ઊભું છે. અમે આ ભૂકંપની દુર્ઘટનાનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ માટે તૈયાર છીએ.
પીએમ મોદીના નિર્દેશ પર વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ તુર્કીને તાત્કાલિક સહાયના મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે NDRF અને મેડિકલ ટીમને શોધ અને બચાવ કામગીરી માટે તુર્કી મોકલવામાં આવશે. આ સાથે રાહત સામગ્રી પણ વહેલી તકે તુર્કી મોકલવામાં આવશે. NDRFની બે ટીમોમાં 100 જવાન હશે. જેમાં ડોગ સ્ક્વોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ટીમો તેમની સાથે જરૂરી સાધનો પણ લેશે. મેડિકલ ટીમમાં ડોકટરો, અન્ય સ્ટાફ અને આવશ્યક દવાઓ હશે.
તુર્કીના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી જાણકારી આપી
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આંચકા અનુભવાયા હતા. લોકોને અપીલ કરવામાં આવી હતી કે નુકસાન પામેલી ઈમારતોમાં પ્રવેશ નહીં કરે.
દમાસ્કમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
તુર્કી, સીરિયા, લેબનોન, ઈઝરાયલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાંથી નુકસાનના અહેવાલો છે. સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગયા અઠવાડિયે પણ તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો
આ અગાઉ ગત સપ્તાહે પણ તુર્કી-ઈરાન સરહદ પર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 આંકવામાં આવી હતી. ગયા અઠવાડિયે, 5.9-તીવ્રતાનો ભૂકંપ તુર્કીની સરહદ નજીક ઉત્તરપશ્ચિમ ઈરાનમાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.