National

હૈતીમાં ૭.૨નો ભૂકંપ: ઓછામાં ઓછા ૨૯નાં મોત

આજે હૈતીમાં ૭.૨ મેગ્નીટ્યુડનો ભૂકંપ આવ્યો હતો જેનું ઉદગમબિંદુ રાજધાની પોર્ટ ઓફ પ્રિન્સના પશ્ચિમે ૧૨૫ કિમી દૂર હતું. હૈતીના નવા વડાપ્રધાન એરિઅલ હેન્રીએ જણાવ્યું હતું કે વિનાશક ધરતીકંપે દેશના ઘણા ભાગોમાં જાનહાનિ અને નુકસાન સર્જ્યા છે. મોડેથી મળેલા અહેવાલો મુજબ ઓછામાં ઓછા ૨૯નાં મોત થયા છે. સુનામીની ચેતવણી અપાઇ હતી પણ તરત ઉઠાવી લેવાઇ હતી.

આટલી તીવ્રતાના ભૂકંપથી નુકસાન પણ વ્યાપક થયું હોવાનું અનુમાન છે. રાજધાનીમાં પણ લોકોએ આંચકાઓ અનુભવ્યા હતા અને ભયના માર્યા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. જો કે રાજધાનીમાં નુકસાન થયું હોવાનુ જણાતુ નથી. વડાપ્રધાન હેન્રીએ જણાવ્યું હતું કે ભોગ બનેલા લોકોને મદદ માટે તમામ સંસાધનો કામે લગાડવામાં આવશે અને તેમણે હૈતીના લોકોને એક મળીને આ સ્થિતિનો સામનો કરવા અપીલ કરી હતી. તેમણે આખા દેશમાં કટોકટી જાહેર કરી હતી. અહીં, થોડા દિવસમાં વાવાઝોડું ત્રાટકવાની પણ આગાહી છે તેથી મુશ્કેલી ઓર વધી શકે છે. ભૂકંપના સ્થળે રાહત અને બચાવ ટુકડીઓ મોકલવામાં આવી છે અને જાનહાનિનો આંક ઉંચો હોઇ શકે છે.

હૈતીનો આ ભૂકંપ એના એક મહિના કરતા થોડા વધુ સમય પછી આવ્યો છે જ્યારે તેના પ્રમુખ જોવેનેલ મોઇઝની રહસ્યમય સંજોગોમાં હત્યા થઇ ગઇ હતી જેનાથી દેશમાં રાજકીય વમળો સર્જાયા છે. ૨૦૧૦માં હૈતીમાં ૭.૧નો ભૂકંપ આવ્યો હતો ત્યારે ૩૦૦૦૦૦ જેટલા લોકો માર્યા ગયા હતા. એના કરતાય આ ભૂકંપ શક્તિશાળી હતો.

Most Popular

To Top