Vadodara

65.15 લાખની ઉચાપતમાં આફવા મંડળીના સંચાલકની ધરપકડ

સુખસર: ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી ચેકની ચોરી કરી તેમાં લાખો રૂપિયા ભરી ઝાલોદ સ્ટેટ બેંક માંથી નાણા ઉપાડી રાતોરાત લાખોપતિ બનવાના સપના સેવતા મહાકૌભાંડીઓનો પર્દાફાસ થતાં ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લા અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર સુધી તેના પડધા પડ્યા હતા.જ્યારે આ મહા કૌભાંડમાં સંડોવાયેલા મંડળી સંચાલકની ધરપકડ થતા ફતેપુરા તાલુકા પંચાયતના કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓના નામ બહાર આવવા પામેલ છે.જ્યારે આ બંનેની ધરપકડ થતા આ કૌભાંડ આચરવામાં ભાગ ભજવનાર છુપા રુસ્તમોના નામો ખુલવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી 1 ઓગસ્ટ-2022 પહેલા ચેકની ચોરી થઈ હોવા બાબતે તાલુકા પંચાયત કચેરીના જવાબદારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.અને આ ચેકમાં ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લી.ના સંચાલક રાજેશભાઈ ભેમાભાઇ લબાના દ્વારા 65 લાખ 15 હજાર 547 રૂપિયા પોતાની મંડળીના બેંક ખાતા દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હોવા બાબતે ફતેપુરા તાલુકા પંચાયત ટી.ડી.ઓ જે.એમ.ઠાકોર દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફતેપુરા તાલુકા એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા નાયબ એકાઉન્ટનને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે.

ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થતાં આફવાના રાજેશ લબાનાની ફતેપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.અને તેની પૂછપરછ દરમિયાન ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અને આ ચેક ચોરી કરી કૌભાંડ આચરવામાં ભાગ ભજવનાર ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પ્રતીકકુમાર પ્રવીણલાલ કલાલ રહે.ફતેપુરા તથા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે ફરજ બજાવતા પુષ્પેન્દ્રસિંહ અરવિંદભાઈ લબાના રહે.આફવા તા.ફતેપુરાના ઓના નામો ખુલવા પામેલ છે.

Most Popular

To Top