Madhya Gujarat

આણંદની સાત બેઠક પર ધીમું પણ મક્કમ 64.91 ટકા મતદાન

આણંદ : આણંદમાં ધીમુ પણ મક્કમ ગતિએ મતદાન શરૂ થયું હતું. વ્હેલી સવારે ધીમે ધીમે ચાલી રહેલા મતદાનમાં બપોરના સુમારે થોડી ઝડપ આવી હતી. વ્હેલી સવારે મતદારોનો ઠંડો પ્રતિસાદ જોઇ રાજકીય નેતાઓ ચોંકી ગયા હતા અને મતદારોને બુથ સુધી લઇ જવા માટે એજન્ટોને દોડાવ્યાં હતાં. જેના પગલે બપોરે થોડી ગતિ પકડાઇ હતી. મોડી સાંજ સુધીમાં 64.91 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાના કુલ 1810 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં વૃદ્ધો, દિવ્યાંગો, યુવાનો અને ગૃહિણીઓ સહિત વિવિધ વર્ગના મતદારો ઉત્સાહ સાથે લોકશાહીના આ મહાપર્વમાં જોડાયાં હતાં

આણંદ શહેર – જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ મતદારોમાં વ્હેલી સવારે ખાસ ઉત્સાહ જોવા મળતો નહતો. જોકે, જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ લાઇન શરૂ થઇ ગઈ હતી. આમ છતાં જોઈએ તેવો ગરમાવો આવતો નહતો. આણંદ જિલ્લાની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં 20 ટકા મતદાન નોંધાયું હતું. બાદમાં બપોરના એક વાગ્યા સુધીમાં તે વધીને 37.06 ટકા સુધી પહોંચ્યું હતું. આ આંકડો જોતા રોજકીય નેતાઓ અને તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની ગયો હતો. આથી, તુરંત એજન્ટોને દોડતા કરવામાં આવ્યાં હતાં અને ઘરે ઘરે ફરી બાકી મતદારોને બુથ સુધી લઇ જવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેના કારણે બપોરના થોડી ઝડપ વધી હતી. પ્રથમ એક કલાકમાં માત્ર 4.93 ટકા જ મતદાન નોંધાયું હતું. ધીમે ધીમે ચાલી રહેલા મતદાનમાં મોડી સાંજ સુધીમાં 64.91 ટકા મતદાન થયું હતું. આમ, ગત ચૂંટણી કરતાં મતદાનમાં ધરમખમ ઘટાડો જોવા મળ્યો હતો.

Most Popular

To Top