અમેરિકી પ્રમુખ જો બિડેને આજે ફોરેન વર્ક વિઝા પરના પ્રતિબંધોનું તેમના પૂરોગામી ડૉનાલ્ડ ટ્રમ્પના સમયમાં જારી કરવામા આવેલ જાહેરનામુ આજે મુદ્ત પુરી થવા સાથે રદબાતલ થઇ જવા દીધું હતું, જે પગલાથી હજારો ભારતીય આઇટી પ્રોફેશનલોને લાભ થવાની આશા છે.
રાષ્ટ્રીય લૉકડાઉન અને કોવિડ-૧૯ની કટોકટી વચ્ચે ટ્રમ્પે ગયા જૂન મહિનામાં એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જેમાં તેમણે ઘણા હંગામી નોન-ઇમિગ્રન્ટ કેટેગરીમાં આવતા વિઝાઓ પર અમેરિકા આવવા માગતા અરજદારોને અમેરિકામાં પ્રવેશવા પર બંધી ફરમાવી હતી.
જે માટે તેમણે એવું કારણ આપ્યું હતું કે આ વિઝાઓ આર્થિક રિકવરીના સમયગાળામાં અમેરિકી કામદાર બજારના ભોગે આપવામાં આવ્યા હતા. ૩૧ ડીસેમ્બરે, ટ્રમ્પે આ આદેશને ૩૧ માર્ચ સુધી લંબાવ્યો હતો જેમાં તેમણે નોંધ્યું હતું કે આ બાન લંબાવવો જરૂરી છે કારણ કે રોગચાળાએ અમેરિકાના લોકોની જીવનને ખોરવવાનું ચાલુ રાખ્યું છે અને મોટા પાયે બેરોજગારી અને નોકરીઓ ગુમાઇ હોવાને કારણે અમેરિકા ભરમાં કામદારો સામે ગંભીર આર્થિક પડકાર ઉભો થયો છે.
૩૧ માર્ચે આ પ્રતિબંધ પૂરો થવાની સાથે બીડેને એચ-૧બી વિઝા પર પ્રતિબંધ મુકતું નવું જાહેરનામું બહાર પાડ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે વચન આપ્યું હતું કે તેઓ એચ-૧બી વિઝા પરનો પ્રતિબંધ ઉઠાવી લેશે, તેમણે કહ્યું હતું કે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ ક્રૂર છે. આનાથી ભારતીયોને મોટો લાભ થવાની આશા છે કારણ કે એચ-૧બી વિઝા પર હજારો ભારતીય આઇટી વ્યવસાયિકો અમેરિકા નોકરી કરવા જાય છે.