ભરૂચ: સમગ્ર ગુજરાતમાં (Gujarat) માત્ર 6 વર્ષમાં દીપડાઓની (Leopard) સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એકલા ભરૂચ જિલ્લામાં જ 105 દીપડા જોવા મળ્યા છે. ભરૂચ (Bharuch) જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલા શેરડીના ખેતરોને દીપડાની વધતી સંખ્યા માટે જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. કારણ કે શેરડીના ખેતરોમાં આસાનીથી દીપડા આશ્રયસ્થાન બનાવી લે છે.
આખા ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને વન વિભાગે (Forest Department) તાજેતરમાં વસ્તી ગણતરી (census) કરાવતા વર્ષ 2016માં દીપડાઓની સંખ્યા 1395 હતી, જયારે હાલ 2023ના વર્ષમાં દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ 2274 પર પહોંચી છે. જેને જોતા 6 વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો નોંધાયો છે.
ખાસ કરીને ભરૂચમાં 105 દીપડા જોવા મળ્યા છે. વન્યજીવ નિષ્ણાત અનુસાર ભરૂચ જિલ્લામાં દીપડાની સંખ્યામાં એટલા માટે વધારો થયો છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં શેરડીના ખેતરો હોવાથી દીપડાને ખોરાક અને પીવાનું પાણી સરળતાથી મળી રહે છે. દીપડા શેરડીના ખેતરોમાં સુરક્ષિત અનુભવે છે.
દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 145.5 ટકાનો વધારો
દક્ષિણ ગુજરાતમાં 2016માં 211 દીપડા નોંધાયા હતા. જે હવે 2023માં વધીને 518 નોંધાયા છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં 145.5 ટકાનો વધારો થયો છે. દિનપ્રતિદિન જંગલો ઘટતા ગયા અને માનવવસવાટ વધતો જતા વન્યપ્રાણી માટે આખરે રહેણાંક વિસ્તારો તરફ આગળ વધ્યા છે. જો કે ભૂતકાળમાં દક્ષિણ ગુજરાતમાં લોકો પોકેટ ટ્રાન્જેકટરનો ઉપયોગ કરતા નજીક દીપડો આવે એવો કોઈ ભય ન હતો.
દીપડા ગામોમાં આંટા મારતા થયા
જો કે દીપડો હવે દરેક ગામમાં આંટો મારતો હોય એ સ્થિતિ છે. ત્યારે રહેણાંક વિસ્તારના લોકોએ મહારાષ્ટ્ર લેપર્ડ પેટર્નની જેમ રહે તો કોઈ પ્રશ્ન ન ઉદ્દભવે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેટલાક જંગલવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખ્યાલ હોય છે કે ગામમાં પાણી પીવા માટે આવે એ માટે કોઈ ભય રાખતા નથી. જેને લઈને દીપડાના સહવાસવાળા વિસ્તારમાં લોકો આરામથી રહે છે.