જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના (SouthAfrica) સૌથી મોટા શહેર જહોનિસબર્ગમાં (Johannesburg) એક બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં (Fire) ઓછામાં ઓછા 63 લોકોના મોત (Death) થયા છે અને 43 લોકો ઘાયલ થયા છે.
ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા હતા અને 43 અન્ય ઘાયલ થયા હતા. પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ કાળી પડી ગયેલી ઈમારતની બારીઓમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે. જોહાનિસબર્ગમાં આવેલી ઇમારત પાંચ માળની હતી. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગની વિશાળ જ્વાળાઓ દેખાઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો બહાર દોડતા જોવા મળે છે.
ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે અને કેટલાકને હેલ્થકેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગવાનું કારણ ભૂકંપ હોઈ શકે છે.
લોકોને બહાર કાઢવા માટે બચાવકર્મીઓ સતત સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને નજરે જોનાર સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગમાં ઓછામાં ઓછા 200 લોકો રહેતા હતા.
જ્યાં આગ લાગી હતી તે બિલ્ડીંગનો ઉપયોગ બેઘર લોકો માટે બિનસત્તાવાર આવાસ તરીકે થતો હતો અને તેના માટે કોઈ સત્તાવાર ભાડા કરાર નથી. બિલ્ડીંગમાં આટલા બધા લોકો એકસાથે હોવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.