ભરૂચ જીલ્લામાં ફરી એકવાર કોરોનાએ જીવ લીધો છે. અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના 60 વર્ષીય નરેશભાઈ ઠાકોરભાઈ પ્રજાપતિનું કોરોનાના કારણે અવસાન થયું છે. આ બનાવને કારણે વિસ્તારના લોકોમાં ચિંતા વ્યાપી છે.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ મૃત્યુ:
માહિતી મુજબ, નરેશભાઈને તા.12 ઓગસ્ટે તબિયત બગડતાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાતા રિપોર્ટ લેવાયો હતો. તપાસ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા. તેમ છતાં પાંચ દિવસ બાદ, તા.17 ઓગસ્ટે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

કોવિડ પ્રોટોકોલ હેઠળ અંતિમ વિધિ:
કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમના મૃતદેહને સીધા નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાન ખાતે લઈ જવાયો હતો. ત્યાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તથા તેમની ટીમની હાજરીમાં તમામ સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોને પણ જરૂરી અંતર જાળવીને અંતિમ દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
મૃતકે બૂસ્ટર ડોઝ લીધા નહોતા:
ઉલ્લેખનીય છે કે મૃતક નરેશભાઈએ કોરોનાની બૂસ્ટર રસીનો ડોઝ લીધો નહોતો. જેના કારણે ફરી એકવાર કોરોનાથી મોત નીપજતા ગામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે.
માટીએડ ગામમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે કોરોના હજી પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. લોકો બેદરકાર ન બને અને નિયમોનું પાલન કરે તો જ આ ચેપથી બચી શકાય છે.