National

વિદેશમાં ભણવા પાછળ ખર્ચ્યા એટલામાં દેશમાં 60 આઇઆઈટી સ્થાપી શકાય!

નવી દિલ્હી, તા. 13: છેલ્લા દાયકામાં ભારતીયોએ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે 1.76 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. આ રકમ એટલી મોટી છે કે તેનાથી 60થી વધુ નવા આઈઆઈટીનું નિર્માણ થઈ શકે છે, એમ ભારતીય રિઝર્વ બેંકના (આરબીઆઈ) નવા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું.

એકલા 2023-24માં, વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ માટે વિદેશમાં લગભગ રૂ. 29,000 કરોડ મોકલ્યા હતા, જે લગભગ પાછલા વર્ષ જેટલી જ રકમ હતી. એક દાયકા પહેલા, આ આંકડો ફક્ત રૂ. 2,429 કરોડ હતો. તેનો અર્થ એ કે દસ વર્ષમાં શિક્ષણ માટે મોકલવામાં આવતા નાણાંમાં લગભગ 1,200 ટકાનો વધારો થયો છે.

આરબીઆઈએ માહિતીના અધિકાર (આરટીઆઈ) પરની અરજીના જવાબમાં આ માહિતી શેર કરી હતી, જેમાં મૂળ આંકડા અમેરિકી ડોલરમાં હતા અને બાદમાં વર્તમાન વિનિમય દરનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતરિત કરાયા હતા. રસપ્રદ વાત એ છે કે, 2023ની સરખામણીમાં 2024માં શિક્ષણ માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો થયો હતો, કારણ કે ઘણા દેશોએ તેમના વિઝા નિયમો કડક કર્યા હતા.

સરકારી આંકડા દર્શાવે છે કે 2024માં 7,59,064 વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે વિદેશ ગયા હતા, આ આંકડો 2023માં 8,92,989 હતો. પરંતુ આ સંખ્યા હજુ પણ કોરોના રોગચાળા પહેલા કરતા ઘણી વધારે છે. 2019માં, 5.9 લાખથી ઓછા વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.

કેન્દ્ર સરકારે 2025-26 માટે ઉચ્ચ શિક્ષણ વિભાગને લગભગ રૂ. 50,078 કરોડ ફાળવ્યા છે. ગયા વર્ષે જ ભારતીયોએ આ રકમના અડધાથી વધુ ખર્ચ ફક્ત વિદેશમાં શિક્ષણ પાછળ કર્યો છે. છેલ્લા દસ વર્ષમાં વિદેશમાં શિક્ષણ માટે કરાયેલો કુલ ખર્ચ સરકારના સમગ્ર ઉચ્ચ શિક્ષણ બજેટ કરતા ત્રણ ગણો વધારે છે.

જો આજે આઈઆઈટી સ્થાપવાનો ખર્ચ લગભગ 2,823 કરોડ રૂપિયા છે, તો ગયા વર્ષે જ વિદેશમાં મોકલવામાં આવેલી રકમથી જ દસથી વધુ ાઈઆઈટીની સ્થાપના થઈ શકે. કુલ 10 વર્ષના ખર્ચમાંથી લગભગ 62 આઈઆઈટી બનાવી શક્યા હોત.

Most Popular

To Top