આણંદ: આણંદ જિલ્લામાં તા. ૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થશે. ત્રણ રથ બે મહિના સુધી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડશે. આણંદ જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચી શકે તેવા હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તા. ૨૨ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થનાર છે.
આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આણંદ તાલુકાની ૪૪, ઉમરેઠ તાલુકાની ૩૯, બોરસદ તાલુકાની ૬૫, આંકલાવ તાલુકાની ૩૨, પેટલાદ તાલુકાની ૫૬, સોજીત્રા તાલુકાની ૨૧, ખંભાત તાલુકાની ૫૬ તથા તારાપુર તાલુકાની ૩૮ મળી જિલ્લાની ૩૫૧ ગ્રામ પંચાયતો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં લોકોને સરકારની વિવિધ ફ્લેગશિપ યોજનાઓની માહિતી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભો આપવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રથમ દિવસે સામરખા, અજુપુરા, ગોરેલ, રુદેલ, સુંદરણા અને શાહપુર ખાતે કાર્યક્રમો યોજાશે
ત્રણ રથના માધ્યમથી જિલ્લાના તમામ તાલુકાઓના ગામો ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે. આ યાત્રા અંતર્ગત દરરોજ ત્રણ તાલુકાના બે બે ગામો એટલે કે છ ગામો ખાતે આ યાત્રા ફરશે અને સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત સરકારની યોજનાઓના લાભો સાચા લાભાર્થી સુધી પહોંચી શકે તે માટે ગામે ગામ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
કોઈપણ લાભાર્થી બાકી ના રહી જાય તે માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે આ યાત્રા દરમિયાન કામગીરી કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નોડલ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિકા પરમારે જણાવ્યું કે, આણંદ તાલુકાના સામરખા, બોરસદ તાલુકાના ગોરેલ અને પેટલાદ તાલુકાના સુંદરણા ખાતેથી તારીખ ૨૨ નવેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવશે. આ યાત્રાના પ્રથમ દિવસે એટલે કે, તારીખ ૨૨ નવેમ્બરના રોજ પ્રથમ રથ સવારે ૧૧-૦૦ કલાકે આણંદ તાલુકાના સામરખા અને બપોર બાદ ૦૩-૦૦ કલાકે અજુપુરા ખાતે, દ્વિતીય રથ સવારે ૧૧-૦૦ કલાકે બોરસદ તાલુકાના ગોરેલ અને બપોર બાદ ૦૩-૦૦ કલાકે રુદેલ ખાતે તેમજ તૃતિય રથ સવારે ૧૧-૦૦ કલાકે પેટલાદ તાલુકાના સુંદરણા અને બપોર બાદ ૦૩-૦૦ કલાકે શાહપુર ગામ ખાતે પહોંચશે.