બ્રિટનના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપ, કે જેઓ એક સપ્તાહ પહેલા અવસાન પામ્યા હતા તેમની આજે અહીંના વિન્ડસર કેસલમાં દફનવિધિ થઇ હતી. તેમની ઇચ્છા પ્રમાણે તેમને સરકારી સન્માન અપાયું ન હતું પરંતુ શાહી સન્માન અને લશ્કરી પરંપરા સાથે દફનવિધિ કરવામાં આવી હતી.
ગયા શુક્રવારે ૯૯ વર્ષની વયે અવસાન પામેલા પ્રિન્સ ફિલિપની દફનવિધિનો કાર્યક્રમ સ્થાનિક સમય પ્રમાણે બપોરે ૩ વાગ્યે વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં શરૂ થયો હતો. પ્રિન્સ ફિલિપના પોતાના દ્વારા પસંદ કરવામાં આવેલા ધાર્મિક લખાણોનું વાચન આ સમયે કરવામાં આવ્યું હતું. દફનવિધિ ધાર્મિક જોગવાઇઓને અનુરૂપ કરવામાં આવી હતી પરંતુ તેમાં પાદરીઓ દ્વારા કોઇ મંત્રોચ્ચારો કે પ્રવચનોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો.
ડ્યુક ઓફ એડિનબર્ગનો ખિતાબ ધરાવતા પ્રિન્સ ફિલિપનો લશ્કર પ્રત્યેનો લગાવ જોતા તેમની દફનવિધિ લશ્કરી ઢબે કરવામાં આવી હતી. તેમની અંતિમયાત્રામાં તેમના જયેષ્ઠ પુત્ર અને પાટવી કુંવર પ્રિન્સ ચાર્લ્સ, તેમના બંને પુત્રો તથા શાહી કુટુંબના અન્ય સભ્યો હાજર હતા. અંતિમયાત્રા વખતે શાહી દળના ઘોડેસવાર સૈનિકોએ બંદૂકો ફોડીને સલામી આપી હતી. મહારાણી પણ તેમની પુત્રવધુ કેટ મિડલટન સહિત અન્ય મહિલાઓ સાથે અંતિમયાત્રામાં હતા. સાદાઇ પૂર્વક વિધિઓ સંપન્ન થયા બાદ પ્રિન્સ ફિલિપનું કોફીન સેન્ટ જ્યોર્જ ચેપલના નીચે શાહી મકબરામાંની કબરમાં ઉતારવામાં આવ્યું હતું.
અંતિમયાત્રામાં માત્ર ૩૦ વ્યક્તિઓ, મોટે ભાગે શાહી કુટુંબના સભ્યો
આખી અંતિમયાત્રામાં માત્ર ૩૦ જણા જ હાજર હતા. કોવિડ-૧૯ના રોગચાળાના નિયંત્રણોને કારણે જનસમૂહ મર્યાદિત રખાયો હતો, વિદેશોમાંથી લગભગ કોઇ મહાનુભાવ ન હતા અને ખુદ વડાપ્રધાન બોરિસ જહોનસને પણ અન્ય હજારો લોકોની માફક અંતિમવિધિ ટેલિવિઝન પર જ જોઇ હતી. અંતિમયાત્રામાં મોટે ભાગે શાહી કુટુંબના જ સભ્યો હતા. બધાએ માસ્ક પહેર્યા હતા.
દાખલો બેસાડવા મહારાણી જુદા બેઠા
દફનવિધિ પહેલાના કાર્યક્રમમાં સેન્ટ જ્યોર્જ ચેપલમાં હાલના રોગચાળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો દાખલો બેસાડવા મહારાણી એલિઝાબેથ એક સ્થળે જુદા બેઠા હતા. તેમણે કાળા વસ્ત્રો અને સ્કાર્ફ પહેર્યો હતો.
આખા દેશમાં એક મિનિટનું મૌન પળાયું
સ્થાનિક સમય પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે દફનવિધિ થાય તેના પહેલા આખા બ્રિટનમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
પ્રિન્સ હેરી હાજર પણ અંતિમયાત્રામાં બંને ભાઇઓ- વિલિયમ અને હેરી જુદા ચાલ્યા
રાજકુટુંબથી જુદા થઇ ગયેલા અને પોતાની અમેરિકન પત્ની મેગન મર્કેલ સાથે અમેરિકા રહેવા જતા રહેલા પ્રિન્સ હેરી આજે પોતાના દાદા પ્રિન્સ ફિલિપની દફનવિધિમાં હાજર રહ્યા હતા. જો કે તેની પત્ની મેગન આવી ન હતી. અંતિમયાત્રામાં મહારાણીના બંને પૌત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી જુદા જુદા ચાલ્યા હતા. બંનેની વચ્ચે શાહી કુટુંબના તેમના કેટલાક સગાઓ ચાલી રહ્યા હતા.