ચીની પ્રમુખ ઝિ જિનપિંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રોગચાળા સામે લડવા માટે ભારત સાથે સહકાર વધુ મજબૂત બનાવવાની અને દેશમાં કોવિડ-૧૯ના કેસોમાં હાલમાં આવેલા ઉછાળા સાથે કામ પાર પાડવામાં ટેકો અને મદદ પુરો પાડવાની દરખાસ્ત મૂકી હતી.
પ્રમુખ ઝિએ વડાપ્રધાન મોદીને ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળા અંગે સહાનુભૂતિનો એક સંદેશો મોકલ્યો હતો એમ અહીંના સત્તાવાર મીડિયાએ અહેવાલ આપ્યા હતા. હું ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાની તાજેતરની સ્થિતિથી ઘણો ચિંતિત છું. ચીની સરકાર અને લોકો વતી અને સાથો સાથે મારા પોતાના નામે પણ હું ભારત સરકાર અને લોકો પ્રત્યે ગંભીર સહાનુભૂતિ પાઠવું છું એમ પ્રમુખ ઝિ તરફથી વડાપ્રધાન મોદીને મોકલાયેલા સંદેશામાં જણાવાયું હતું.
ચીની બાજુ ભારતની બાજુએ રોગચાળા સામે લડવા માટે અને આ સંદર્ભમાં ટેકો અને મદદ પુરા પાડવા માટે સહકાર વધારવા તૈયાર છે. હું માનુ છું કે ભારત સરકારની આગેવાની હેઠળ ભારતના લોકો રોગચાળામાંથી ચોક્કસ બહાર આવશે એમ ઝિએ જણાવ્યું હતું.
આ પહેલા ગુરુવારે ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની કોવિડ-૧૯ના કેસોમાં ઉછાળા સામેની લડાઇમાં પુરો ટેકો આપવાનું વચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ચીનમાં બનેલી રોગચાળા વિરોધી સામગ્રી ભારતમાં ઝડપભેર પ્રવેશી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભારતમાં કોરોનાવાયરસના ચેપના ૩૮૬૪૫૨ નવા કેસો નોંધાયા હતા જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસનો વધારો છે.