દિલ્હી હાઇકોર્ટે આજે નિરીક્ષણ કર્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-૧૯ની સ્થિતિ ખતરનાક બની ગઇ છે અને ત્યાંની ઘણી હોસ્પિટલોમાં ઑક્સિજન ખૂટી પડ્યો છે, અદાલતે કેન્દ્રને એ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો કે આ શહેરને સુઆયોજીત ફાળવણી મુજબ અને કોઇ પણ અવરોધ વિના આ વાયુનો પુરવઠો પુરો પાડવામાં આવે.
આપણે બધા જાણીએ છીએ કે આ દેશને ભગવાન જ ચલાવી રહ્યો છે એ મુજબ રોષે ભરાયેલા જસ્ટિસ વિપિન સંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની બેન્ચે કહ્યું હતું, જે બેન્ચે અભિપ્રાય આપ્યો હતો કે ઓક્સિજનના પરિવહન આડેના તમામ અવરોધો દૂર કરવા જોઇએ. જો સરકાર ઇચ્છે તો તે કંઇ પણ કરી શકે અને સ્વર્ગને પણ ધરતી પર ઉતારી શકે એમ બેન્ચે કહ્યું હતું.
વડી અદાલતે લાગતા વળગતા તમામ સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો, જેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળના આદેશથી બંધાયેલા છે તેમણે કેન્દ્રના એ આદેશનું કડક પાલન કરવું કે મેડિકલ ઓક્સિજન સહિતની વસ્તુઓ અને વ્યક્તિઓની આંતર રાજ્ય અને રાજ્યની અંદર હેરફેર પર કોઇ નિયંત્રણો મૂકવા નહીં.
અમે કેન્દ્ર સરકારને પણ આદેશ આપીએ છીએ કે તે એ સુનિશ્ચિત કરે કે ઑક્સિજનની ફાળવણી આયોજીત રીતે થાય અને ટેન્કરોનું પરિવહન અવરોધ વિના ચાલુ રહે એ મુજબ બેન્ચે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોને ઓક્સિજનનો પુરવઠો નહીં રોકવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે.