National

ભારત બંધને પંજાબ અને હરિયાણાને છોડીને દેશભરમાં નબળો પ્રતિસાદ

શુક્રવારે ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધ દરમિયાન પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં માર્ગ અને રેલ ટ્રાફિક ખોરવાયો હતો, દેશના અન્ય ભાગોમાં ખાસ કોઇ અસર જોવા મળી ન હતી. ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદા સામે દેશવ્યાપી વિરોધના ભાગ રૂપે ભારત બંધનું એલાન કર્યુ હતું.

ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં ઘણા સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અન્ય મહત્ત્વના રસ્તાઓ અવરોધિત કર્યા, અને અનેક સ્થળોએ રેલવેના પાટા પર બેસીને ધરણાં આપ્યા હતા.
સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) એ દિલ્હીની ત્રણ સરહદો – સિંઘુ, ગાઝીપુર અને ટિકરી પર ચાર મહિનાના આંદોલનને ધ્યાનમાં રાખીને સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું હતું.

આ દરમિયાન રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચાર શતાબ્દી ટ્રેન રદ કરવામાં આવી છે, અન્ય 35 પેસેન્જર ટ્રેનોને અટકાવવામાં આવી અને 40 ગુડ્સ ટ્રેનોની અવરજવરને અસર પહોંચી હતી.
પંજાબ અને હરિયાણામાં મર્યાદિત સંખ્યામાં ટ્રેનોને બાદ કરતા, દેશભરમાં બંધની લગભગ શૂન્ય અસર પડી છે. આ બંને રાજ્યો સિવાય, લગભગ પાંચથી છ ટ્રેનો થોડા સમય માટે વિલંબિત થઈ હતી.

રેલવેના દિલ્હી, અંબાલા અને ફિરોઝપુર વિભાગ હેઠળ આવતા 44 સ્થળોએ ટ્રેનની અવરજવર અવરોધિત થઈ હતી. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સિકંદરપુર ટાઉનશીપમાં વિરોધ કરી રહેલા સીપીઆઈ (એમ-એલ) ના 20 જેટલા કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (સીટીઆઈ) ના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં બજારો અને ઓદ્યોગિક ક્ષેત્રો પર બંધનો કોઈ પ્રભાવ નથી. કનોટ પ્લેસ, કરોલ બાગ, કાશ્મીરી ગેટ, ચાંદની ચોક અને સદરના બજારો ખુલ્લા રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, બધું ખુલ્લું રહ્યું છે. વેપારીઓ ખેડૂતોની માગણીઓના સમર્થનમાં છે પરંતુ તેઓ કોરોનાવાયરસને કારણે નુકસાન ઉઠાવી રહ્યા છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે કુંડલી, માનેસર, સોનેપત, ગુડગાંવ વગેરે ક્ષેત્રના ઓદ્યોગિક વિસ્તારોને પ્રદર્શનને લીધે અસર થઈ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top