ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા વિધાનસભામાં ફરી એક વખત તેમના મત વિસ્તારમાં જિંગા ઉછેરની ટ્રેનિંગ લઈ બેસેલા 5 હજાર લોકોની રોજગારીનો મુદ્દા ઉઠાવ્યો હતો. ઓલપાડમાં અસંખ્ય વિધવા બહેનો અને સેંકડો લોકોની જીવન નિર્વાહ જેના ઉપર છે તેવા જિંગા તળાવના વ્યવસાય માટે યોગ્ય નિતી ઘડવા માટે રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારાની અંદર વેરાવળ, પોરબંદર, જખૌ, દ્વારકા, ઓખા, વણાંકબારા, નવા બંદર જેવા બંદરોની અંદર ખૂબ સારી રીતે ત્યાંના લોકો માછીમારી કરીને તેનું જીવન નિર્વાહ કરે છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતના ભરૂચ, ઓલપાડ, ચોર્યાસી, નવસારી, વલસાડ, ઉમરગામ વિસ્તારોની અંદર પહેલાં લોકો દરિયો ખેડીને જીવન નિર્વાહ કરતા હતા.
પરંતુ આ તરફનો દરિયો છીછરો થઈ જવાથી ત્યાંના લોકો ભરતીના પાણી ભેગાં કરીને એ લોકો તળાવ બનાવીને જીવન નિર્વાહ કરે છે. અને નાના મોટા જિંગાનો ઉદ્યોગ કરી રહ્યા છે. ૨૦૧૦-૧૧ પછી જિંગાની ફાળવણીની જમીનો આ વિસ્તારોમાં ફાળવાઇ નથી.
ધારાસભ્ય મુકેશ પટેલે રજૂઆત કરી હતી કે, ઓલપાડ અને ચોર્યાસી વિસ્તારની અંદર લગભગ પ હજાર જેટલા ત્યાંના લોકોએ આ જિંગા ઉછેર માટેની ટ્રેનિંગ લઇને ત્યાં ટ્રેઇન થયા છે. પરંતુ આ સરકારે જે નીતિ બનાવી છે તેની અંદર ૨૦૧૦-૧૧ પછી કોઈ ફાળવણી થઈ નથી.
સખી મંડળોને અને વિધવા બહેનોને 10-10 ટકા જમીન ફાળવવા રજૂઆત
મુકેશ પટેલ દ્વારા વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી કે, નવી નીતિ ૨૦૧૯ માં જે બનાવી છે તેમાં ૩૫ ટકા જે સ્થાનિક લોકોને આપવામાં આવે છે અને ૧૦ ટકા સખી મંડળીની બહેનોને તળાવ માટે આપવામાં આવે છે. અને ૨૦ ટકા સહકારી જૂથ મંડળીને જમીન ફાળવવામાં આવે છે.
બાકીની ૩૫ ટકા જમીન સહકારી નિગમો અને જાહેર નિગમોને ફાળવવામાં આવે એવી નીતિ બનાવવામાં આવી છે. તેમને રજૂઆત કરતા કહ્યું હતું કે, ૩૫ ટકા વ્યકિતગતને આપો, ૧૦ ટકા સખી મંડળોને આપો અને ૧૦ ટકા વધારે વિધવા બહેનોને પણ જમીન ત્યાં ફાળવો એવી વિનંતી છે.
કોરોના કાળમાં 300 થી 400 કરોડના ખર્ચમાં ડુબી ગયા છે
ધારાસભ્ય દ્રાવા વધૂમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આજે પણ દરિયાકિનારાના ગામોમાં મહિલાઓનું રાજ ચાલે છે . કોઈ પણ નિર્ણય લેવો હોય તો મહિલાઓ જ લે છે. લગભગ ૮૦ ટકા ભાઈઓ બહાર વિદેશની કોઈ શિપ કે અલગ – અલગ જગ્યાએ નોકરી કરતાં હોય છે. કોરોનાકાળ દરમિયાન ત્યાંના લોકો લગભગ ૩૦૦ થી ૪૦૦ કરોડના ખર્ચમાં ડુબી ગયા છે. કારણ કે માલ વિદેશમાં એક્સપોર્ટ ન કરી શકયા અને જિંગાનો માલ અહીંયા કોઈ લઈ ન શક્યું એટલે ખૂબ તકલીફો પડી છે.
70 હજાર જિંગા તળાવ બને તો 50 હજાર કરોડ વિદેશી હૂંડિયામણ આપી શકે
અત્યારે ગુજરાતમાં લગભગ ચાર હજાર જેટલાં જિંગાના તળાવો આવેલા છે. ચાર હજારો તળાવોને લઈને લગભગ ૧ લાખ ૨૮ હજાર જેટલાં લોકો સીધી કે આડકતરી રીતે રોજીરોટી મેળવી રહ્યાં છે. ગુજરાત પાસે ૧ લાખ ૩૦ હજાર હેકટર જેટલી જગ્યા હજુ પણ પડેલી છે. લગભગ ૭૦ હજાર જેટલાં જિંગાના તળાવો બને તો લગભગ ૪૦ લાખ લોકોને રોજીરોટી મળી શકે તેમ છે. લગભગ ૫૦ હજાર કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ આવી શકે છે.