ઉનામાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં દરિયા કિનારે એક 50 વર્ષીય આધેડ મહિલા પર ત્રણથી વધુ હવસખોરોએ ગેંગરેપ કર્યો છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઈજા પણ પહોંચાડી છે. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ત્રણ દિવસ પહેલાં કોસ્ટલ દરિયા કિનારાના એક ગામમાં બની હતી. એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ ઈસમો તેને ફોસલાવીને લઈ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ કર્યા બાદ નરાધમો ભાગી ગયા હતા. બીજી તરફ ગંભીર ઈજાથી પીડાતી મહિલા ત્રણ દિવસ પોતાના ઘરે પડી રહી હતી. તબિયત વધુ બગડતા મહિલાએ દ્વારકામાં પરિચિત યુવકને જાણ કરી હતી. આ યુવક સાથે મહિલાને સાત વર્ષથી સંબંધ હતા.
યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરી પોલીસને જાણ કરી હતી. મરીન પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પીડિત મહિલાનું નાયબ મામલતદારની હાજરીમાં નિવેદન નોંધ્યું હતું. હાલ તપાસ ચાલી રહી છે.