National

દિલ્હી: એરપોર્ટ પર તપાસના નામ પર બે પોલીસ કર્મીઓ કરતા હતા આ કામ, વિદેશી યાત્રીઓએ કરી ફરિયાદ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ઈન્દિરા ગાંધી એરપોર્ટ (Indira Gandhi Airport) પર તપાસના બહાને વિદેશથી આવેલા યાત્રીઓને લૂંટી (looted) લેવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ કામ કોઈ સામાન્ય નાગરિકે નહીં પણ બે પોલીસ કર્મીઓ દ્વારા જ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ બે પોલીસકર્મીઓની ધરપકડ (Arrest) કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સોનું ક્યાં આવ્યું અ્ને ભારતમાં કેમ લાવવામાં આવ્યું તે અંગે પર કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર તપાસના નામે 50 લાખ રૂપિયાના સોનાની લૂંટના કેસમાં દિલ્હી પોલીસના બે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આ બંને IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્પેશિયલ ઓપરેશન સ્ક્વોડમાં તૈનાત હતા. આરોપ છે કે તેઓએ મસ્કત અને દુબઈથી આવતા લોકોને રોક્યા અને તપાસના નામે તમામ સોનું લઈ લીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદેશથી લોકો સોનું બીજાને આપવા માટે લાવ્યા હતા. પોલીસને શંકા છે કે આ સોનું ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યું છે.

આ પોલીસકર્મીઓએ મસ્કત અને દુબઈથી આવેલા અલગ-અલગ લોકો પાસેથી આ સોનું લૂંટ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મસ્કતથી આવેલા રાજસ્થાનના રહેવાસીએ 24 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી કે 20 ડિસેમ્બરની રાત્રે બંને પોલીસકર્મીઓ તેને જંગલમાં લઈ ગયા અને 600 ગ્રામ સોનું લૂંટી લીધું અને તેની સાથે મારપીટ પણ કરી હતી. બીજી તરફ દુબઈથી પરત ફરેલા તેલંગાણાના રહેવાસીએ પણ ફરિયાદ નોંધાવી છે કે તે જ દિવસે બંને પોલીસકર્મીઓએ તેની પાસેથી 400 ગ્રામ સોનું લૂંટી લીધું હતું.

સોનાની દાણચોરી કરાઈ?
હવે દિલ્હી પોલીસ આ મામલે દાણચોરીના એંગલની પણ તપાસ કરી રહી છે. કારણ એ છે કે બંને ફરિયાદીઓએ કહ્યું છે કે તેમને આ સોનું વિદેશથી લાવીને ભારતમાં અન્ય કોઈને આપવાનું કહેવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ સોનું દિલ્હીમાં જેમને આપવાનું હતું તે લોકો દાણચોરીમાં સામેલ છે. હાલ પોલીસ તે લોકોની પણ માહિતી એકઠી કરી રહ્યા છે.

એરપોર્ટ પર પોલીસ તસ્કરો પર ચાંપતી નજર રાખી રહી છે
તમને જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા દાણચોરો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ દરરોજ તસ્કરોની ધરપકડ કરી રહી છે. તાજેતરમાં 18 ડિસેમ્બરે ગિની દેશની એક મહિલા પેસેન્જર એરપોર્ટ પર ઝડપાઈ હતી. માહિતી મળતાં જ કસ્ટમ અધિકારીઓએ મહિલાને રોકીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન અધિકારીઓને કેટલીક શંકાઓ હતી. જ્યારે મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેના શરીરમાં કોકેઈન ભરેલી 82 કેપ્સ્યુલ હતી. આ પછી, તબીબી પ્રક્રિયા હેઠળ ડોકટરોની દેખરેખ હેઠળ તેના શરીરમાંથી કેપ્સ્યુલ્સ દૂર કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ કેપ્સ્યુલ્સની કિંમત 15.36 કરોડ રૂપિયા છે. મહિલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Most Popular

To Top